Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

કાલે ધો. ૧૨ સાયન્‍સ અને ગુજકેટનું પરિણામ

૧ લાખ ૮ હજાર પરીક્ષાર્થીઓના આતુરતાનો અંત : શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ ટ્‍વીટ કરીને જાહેરાત કરી

રાજકોટ તા. ૧૧ : ગુજરાત રાજ્‍ય માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો. ૧૨ સાયન્‍સ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આવતીકાલે વેબસાઇટ ઉપર જાહેર થશે.

માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્‍સ અને ગુજકેટ બોર્ડ પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ સવારે ૧૦ વાગ્‍યે પ્રસિદ્ધ કરાશે. આ અંગે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ ટ્‍વીટ કરીને માહિતી આપી હતી. આ પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઇ શકાશે. ગુજરાતમાં કુલ ૧ લાખ ૮ હજાર વિદ્યાર્થીઓએ ૧૨ સાયન્‍સની પરીક્ષા આપી હતી.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ અને ૧૨ સાયન્‍સના પેપર ચેકિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે હવે માત્ર ધો.૧૨ કોમર્સના થોડા પેપર ચકાસવાના બાકી છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થઇ જશે ત્‍યારબાદ તબક્કાવાર સૌથી પહેલા ધો.૧૨ સાયન્‍સ, ત્‍યારબાદ ધો.૧૦ અને છેલ્લે ધો.૧૨ સામાન્‍ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની પરીક્ષા દર વર્ષ કરતા આ વર્ષે માર્ચ મહિનાના અંતમાં એટલે કે ૨૮ માર્ચથી ૧૨ એપ્રિલ દરમિયાન લેવાઈ હતી. મૂલ્‍યાંકન ધો.૧૨ સાયન્‍સ અને ધો.૧૦ના પેપર ૧૧ એપ્રિલથી જયારે ધો.૧૨ સામાન્‍ય પ્રવાહના પેપર ૧૩ એપ્રિલથી ચકાસવાનું શરૂ કરી દેવાયું હતું. બોર્ડની ઉત્તરવહી મૂલ્‍યાંકનની કામગીરીમાં સૌ પ્રથમ ધોરણ ૧૨ સાયન્‍સની મૂલ્‍યાંકનની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી.

(3:36 pm IST)