Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

આર્કીટેકચરના નોબેલ પુરસ્કાર સમાન ગણાય છે રોયલ ગોલ્ડ મેડલ મેળવતા આર્કીટેક બાલકૃષ્ણ દોશી

દેશના પહેલા આર્કીટેકટ જેમને આ મેડલ ઉપરાંત પ્રિત્ઝકર પુરસ્કાર પણ પ્રાપ્ત

અમદાવાદ, તા.૧૧: દેશના વિખ્યાત વાસ્તુકલાવિદ અને શિલ્પકાર બાલકૃષ્ણ દોશીને મંગળવારે પ્રતિષ્ઠીત 'રોયલ ગોલ્ડ મેડલ'થી સન્માનિત કરાયા છે. વાસ્તુકલા માટે આ વિશ્વના સર્વોચ્ચ સન્માનોમાંનું એક છે. ૯૪ વર્ષના દોશી ભારતના એક માત્ર એવા વ્યકિત છે જેમને રોયલ ગોલ્ડ મેડલ ઉપરાંત પ્રિત્ઝકર આર્કીટેકચરનો નોબેલ પુરસ્કાર માનવામાં આવે છે.

રોયલ ગોલ્ડ મેડલીસ્ટનું સીલેકશન કરનાર ધ રોયલ ઇન્સ્ટીટયુટ ઓફ બ્રિટીશ આર્કીટેકટસ (આરઆઇબીએ)ના અધ્યક્ષ સાયમન ઓલફોર્ડે તેમને આ મેડલ પ્રદાન કર્યો.

બાલકૃષ્ણ દોશીએ કહ્યું કે તેઓ ઇંગ્લેન્ડના મહારાણી પાસેથી રોયલ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ ધન્યતા અનુભવી રહ્યા છે. આ તેમના માટે ખરેખર બહુ મોટુ સન્માન છે.

૧૯૨૭માં પૂણેમાં એક ફર્નીચર ઉત્પાદકને પરિવારમાં જન્મેલા દોશીએ પેરિસમાં ચાર વર્ષ સુધી લે કાર્બોઝીયર સાથે સીનીયર ડીઝાઇન તરીકે કામ કર્યુ. તેમના કેટલાક મુખ્ય પ્રોજેકટોમાં અટીરા ગેસ્ટહાઉસ, ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડોલોજી, અમદાવાદ સ્કૂલ ઓફ આર્કીટેકચર, ટાગોર હોલ, મેમોરિયલ થીયેટર, પ્રેમાભાઇ હોલ, આઇઆઇએમ બેંગ્લોર, કનોરીયા સેન્ટર ફોર આર્ટસ, અમદાવાદ, અરણ્ય લો કોસ્ટ હાઉસીંગ ઇન્દોર અને અમદાવાદની ગુફા વગેરે સામેલ છે.

(3:21 pm IST)