Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

ગુજરાત કોંગ્રેસને ચૂંટણી રણનીતિકારની જરૂર : રાજ્‍યમાં મજબૂત ચહેરાની માંગ

કોંગ્રેસના નેતાઓએ રાહુલની સામે ઘણી માંગણીઓ મૂકી : કોંગ્રેસના ધારાસભ્‍યોએ મહિલા ધારાસભ્‍યોને વધુ તક આપવાની માંગ : ગુજરાત કોંગ્રેસના ધારાસભ્‍યોએ મહિલા ધારાસભ્‍યોને વધુ તક આપવાની માંગ કરી છે : સાથે જ રાજ્‍યમાં વધુ મહિલા ધારાસભ્‍યો હોવા પર પણ સહમતિ સધાઇ હતી

નવી દિલ્‍હી,તા. ૧૧: ગુજરાતના દાહોદ પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે બંધ રૂમમાં ધારાસભ્‍યો સાથે ખાસ બેઠક કરી હતી. અહેવાલ છે કે આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રાહુલની સામે ઘણી માંગણીઓ મૂકી. જેમાં રાજયમાં મજબૂત ચહેરાની માંગનો સમાવેશ થાય છે. સાથે જ નેતાઓ ચૂંટણી રણનીતિકારની ઈચ્‍છા પણ વ્‍યક્‍ત કરી રહ્યા હોવાનું પણ કહેવાય છે. ૧૮૨ વિધાનસભા બેઠકો ધરાવતા ગુજરાતમાં વર્ષના અંતમાં ચૂંટણી યોજાય તેવી શક્‍યતા છે.

રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસી મતદારોને રીઝવવાના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આદિવાસીઓ સાથે મુલાકાત કર્યા બાદ તેમણે બંધ રૂમમાં ધારાસભ્‍યો સાથે ખાસ બેઠક બોલાવી હતી. ઈન્‍ડિયા ટુડેના અહેવાલ મુજબ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રશાંત કિશોર કોંગ્રેસ માટે ચૂંટણી વ્‍યૂહરચનાકાર બનવા અંગે ચર્ચાઓ ચાલી રહી હતી.

અહેવાલ મુજબ, ઘણા માને છે કે તેનાથી કોંગ્રેસને સારું પ્રદર્શન કરવામાં મદદ મળી હોત. કોંગ્રેસના નેતાઓએ કથિત રીતે ચૂંટણી વ્‍યૂહરચનાકારની માંગણી કરી છે જે જમીની સ્‍તરે મજબૂત વ્‍યૂહરચના ઘડી શકે.

અહેવાલો અનુસાર, મીટિંગ દરમિયાન, પાર્ટીના ધારાસભ્‍યોએ કથિત રીતે રાહુલ ગાંધીને ગુજરાતના વધુ પ્રવાસોનું આયોજન કરવા અને વધુ રેલીઓ અને રોડ શો કરવા કહ્યું છે. આ સિવાય પાર્ટી નેતૃત્‍વએ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ વિધાનસભા ચૂંટણી પહેલા રાજયમાં આવે તેવી માંગ કરી છે. પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્‍યોએ ગુજરાતમાં પાર્ટી માટે મજબૂત ચહેરાની માંગ કરી છે. ધારાસભ્‍યોએ રાહુલને કહ્યું છે કે પાર્ટીનો ચહેરો કોઈપણ વિવાદમાં ન ફસાવો જોઈએ અને દરેક જ્ઞાતિમાં તેનો સ્‍વીકાર થવો જોઈએ.

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના ધારાસભ્‍યોએ મહિલા ધારાસભ્‍યોને વધુ તક આપવાની માંગ કરી છે. સાથે જ રાજયમાં વધુ મહિલા ધારાસભ્‍યો હોવા પર પણ સહમતિ સધાઈ હતી. અહેવાલ મુજબ, ગોપનીયતાની શરતે બેઠકમાં હાજર રહેલા કોંગ્રેસ ધારાસભ્‍યએ કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું છે કે, ‘કોઈએ એવું ન વિચારવું જોઈએ કે તેઓ પાર્ટીથી ઉપર છે.' પક્ષ પ્રથમ પ્રાથમિકતા છે, વ્‍યક્‍તિ નહીં.

(11:04 am IST)