Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

મોદીજીએ જાડેજાની પત્‍ની રિવાબાની ઉદારતાની પ્રશંસા કરી

પોસ્‍ટ ઓફિસમાં સુકન્‍યા સમૃધ્‍ધિ યોજના અંતર્ગત ૧૦૧ બાળકીઓના ખાતા ખોલાવ્‍યા : દરેક ખાતામાં એમણે ૧૧-૧૧ હજાર રૂપિયા જમા કર્યા

નવી દિલ્‍હી,તા.૧૦: વડા પ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ ક્રિકેટર રવિન્‍દ્ર જાડેજા અને એની પત્‍ની રિવાબા જાડેજાની પ્રશંસા કરી છે. જાડેજા દંપતીએ એમની પુત્રીનાં જન્‍મદિવસ નિમિત્તે વંચિત બાળકીઓને મદદ કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. રિવાબાએ જામનગર શહેરની પોસ્‍ટ ઓફિસમાં સુકન્‍યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ૧૦૧ બાળકીઓનાં ખાતાં ખોલાવ્‍યાં છે. આ ઉમદા કાર્ય એમણે તેમની પુત્રી નિધ્‍યાનાનાં પાંચમા જન્‍મદિવસ નિમિત્તે કર્યું હતું. એ દરેક ખાતામાં એમણે ૧૧-૧૧ હજાર રૂપિયા જમા કર્યાં છે.

વડાપ્રધાન મોદીએ જાડેજા દંપતીનાં આ કાર્યની એમને પત્ર લખીને પ્રશંસા કરી છે. પત્રમાં એમણે લખ્‍યું છેઃ ‘પોસ્‍ટ ઓફિસમાં તમે વંચિત બાળકીઓ માટે ૧૦૧ સુકન્‍યા સમૃદ્ધિ ખાતા ખોલાવ્‍યાં છે. તમારો આ નિર્ણય ખૂબ જ પ્રશંસનીય છે અને મને એ જાણીને ખૂબ જ આનંદ થયો છે. તમારી પુત્રી નિધ્‍યાનાનાં પાંચમા જન્‍મદિવસની ઉજવણી કરવા માટે પ્રત્‍યેક ખાતામાં પ્રારંભિક રકમ જમા કરાવવાનું કાર્ય ઉમદા છે. તમે સમાજનાં ભલા માટે યોગદાન આપ્‍યું છે. આવા સ્‍વયંસેવી પ્રયત્‍નથી સમાજમાં એક સકારાત્‍મક સંદેશ નિર્માણ થશે અને સૌને એમાંથી પ્રેરણા મળશે.'

જાડેજા દંપતીએ આ પહેલાં કોરોના બીમારીના કાળમાં પણ જરૂરિયાતમમંદ કુટુંબોને આર્થિક મદદ કરી હતી.

(10:53 am IST)