Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

દક્ષિણ ગુજરાતની ટ્રેનોને લંબાવવા અને સ્ટોપેજ વધારવા સી.આર.પાટીલે કેન્દ્રીય અને રાજ્ય રેલ મંત્રીને કરી રજુઆત

વલસાડથી પાલનપુર અને પાલનપુરથી વલસાડ સાંજની ટ્રેન શરૂ થવી જોઈએ

નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ રાજ્ય મંત્રી દર્શન જરદોશની મુલાકાત લઈને દક્ષિણ ગુજરાત માટેની ટ્રેનો લંબાવવા અને સ્ટોપેજ વધારવાની રજુઆત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના મુસાફરોને તેનો ફાયદો મળે તેની રજુઆત કરવામાં આવી છે.

ગાંધીનગર જનારા મુસાફરોને સરળતા રહે તે માટે શતાબ્દી અને ગુજરાત કવિનને ગાંધીનગર લંબાવવા, ઉત્તર ગુજરાતના લોકોની મુસાફરી વધુ સરળ બને અને લાભ મળે તે માટે વલસાડથી પાલનપુર અને પાલનપુરથી વલસાડ સાંજની ટ્રેન શરૂ થવી જોઈએ, નવસારી અમલસાડથી ચીકુની ટ્રેન દિલ્હી જાય છે.

દિલ્હીના પ્લેટફોર્મ પર થોડી અવ્યવસ્થાને કારણે વેપારીઓને તકલીફ પડે છે. આ અવ્યવસ્થા દૂર થાય તો વેપારીઓની સુગમતા વધે તે દિશામાં કાર્યવાહી થાય તે જરૂરી છે. આ ઉપરાંત સુરત, વલસાડ અને ઉધના સેટેલાઈટ સ્ટેશન માટે મિટિંગના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાં દાંડીએ ઐતિહાસિક સ્થળ છે. દેશ વિદેશમાંથી અનેક પર્યટકો અહીં આવે છે. દાંડી ટ્રેન જો નવસારી સ્ટેશન પર ટ્રેનના સ્ટોપેજ વધારવામાં આવે તો પર્યટકોને સુગમતા રહે અને દાંડીને પ્રયત્ન સ્થળ તરીકે વિકસાવવામાં વધારે સરળતા રહે તે માટે સાંસદ પાટીલ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. રેલવે મંત્રીએ રજૂઆતો સાંભળીને હકારાત્મક પ્રતિભાવ આપવા સાથે જરૂરી વ્યવસ્થા કરી આપવા ખાતરી આપી છે.

જ્યારે સુરતમાં સ્ટેશન વિસ્તારમાં રેલવે ગરનાળા પાસે થતી ટ્રાફિકની ગીચ સમસ્યા ઉકેલવા દર્શન જરદોષે ઉકેલ લાવી આપ્યો છે. રેલવે દ્વારા વરાછા રોડ, પોદ્દાર આર્કેડ પાસેની જમીન મનપાને લીઝ પર આપવા અંગે મંજૂરી આપવામાં આવી છે. હવે રેલવેની 301.875 ચોરસ મીટર જમીન સુરત મનપાને રસ્તાના વિસ્તરણ માટે મળશે. સુરત મનપા દ્વારા આ માંગણી વર્ષોથી થતી હતી. અહીં જમીન નહીં મળતા રસ્તાના વિકાસનું કામ અવરોધાયું હતું. તેના કારણે વરાછા ગરનાળા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. જોકે હવે જમીન આપવા માટે મંજૂરી મળતા આ પ્રશ્નનું નિરાકરણ પણ જલ્દી આવી જશે.

(12:42 am IST)