Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ચોમાસાના આગમન પહેલા અમદાવાદ સહીતના ચાર શહેરોના તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું

અમદાવાદમાં 41.5 ડિગ્રી, ડિસામાં 40.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી અને પાટણમાં 40.4 ડિગ્રી ,કંડલામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદ :ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે અનેક શહેરોમાં ગરમીનો પારો વધી રહ્યો છે. જેમાં આજે રાજ્યના ચાર શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેમાં અમદાવાદમાં 41.5 ડિગ્રી, ડિસામાં 40.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.6 ડિગ્રી અને પાટણમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કંડલામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ ઉપરાંત હવામાન  વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદની પણ શક્યતા હોવાની હવામાન વિભાગની આગાહી છે.થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી હેઠળ સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં થંડર સ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, તાપી અને ડાંગ સાથે દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.આ સિવાય અમદાવાદ જિલ્લામાં પણ થંડર સ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે.

અરબી સમુદ્રમાંથી ફૂંકાતા પવનોને પગલે વાતાવરણમાં ભેજની અસર પણ નોંધાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. મહત્વપૂર્ણ છે કે જ્યાં વરસાદની આગાહી છે તેવા વિસ્તારોમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટી શકે છે.

જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઠંડર સ્ટોર્મ એક્ટિવિટીની અસર રહેશે. તો અમદાવાદ, ખેડા અને ગાંધીનગરમાં તેની બે દિવસ અસર રહેશે. બે દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.

(8:50 pm IST)