Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના બોપલ ખાતે ‘ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACe) દેશને સમર્પિત કર્યુ......

ઇન-સ્પેસ અને ખાનગી ક્ષેત્રના ૧૦ સ્ટાર્ટઅપ્સ વચ્ચે MoU સંપન્ન:પ્રાઇવેટ સેકટર હવે સ્પેસ સેક્ટરમાં બીગ વિનરની ભૂમિકા ભજવશે :આગામી દિવસોમાં ‘ઇન-સ્પેસ’ થકી સ્પેસ ટુરિઝમ અને સ્પેસ ડિપ્લોમસીમાં ભારત મહત્વની ભૂમિકા ભજવશે:સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રે રિફોર્મ્સ માટે દેશના યુવાનો આગળ આવે, સરકાર તમામ સહયોગ આપશે: પીએમ મોદી

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર, (ઇન-સ્પેસ)માં ભારતના અવકાશ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે. પ્રાઇવેટ સેકટર હવે સ્પેસ સેક્ટરમાં બીગ વિનરની ભૂમિકા ભજવશે. આવનારા સમયમાં માનવ સમુદાયના ઉજ્જવળ ભવિષ્ય માટે અવકાશ ક્ષેત્રની તાકાત મહત્વની પૂરવાર થશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના બોપલ ખાતે ઇન-સ્પેસ (IN-SPACe) નું ઉદ્ધાટન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની ઉપસ્થિતીમાં કર્યુ હતું.
આ પ્રસંગે ઇન-સ્પેસ અને ખાનગી ક્ષેત્રના ૧૦ સ્ટાર્ટઅપ્સ વચ્ચે MoU સંપન્ન થયા હતા.
આ અવસરે વડાપ્રધાનએ કહ્યું કે, ૨૧મી સદીના આધુનિક ભારતની વિકાસયાત્રામાં  એક વધુ અધ્યાય ઈન-સ્પેસ હેડ ક્વાર્ટર'ના રૂપમાં ઉમેરાયો છે. ભારત આગામી દિવસોમાં સ્પેસ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરશે.
ઇન-સ્પેસ ભારતના યુવાનોને, ભારતના બેસ્ટ માઇન્ડને પોતાનું ટેલેન્ટ બતાવવાનો અવસર આપશે પછી ભલે તે સરકારમાં હોય કે ખાનગી ક્ષેત્રમાં હોય ઇન-સ્પેસ તમામ વર્ગના લોકોને શ્રેષ્ઠ અવસર પ્રદાન કરશે એમ વડાપ્રધાનએ જણાવ્યું હતું.
વડાપ્રધાનએ કહ્યું કે, આપણા સૌના જીવનમાં સ્પેસ ટેકનોલોજીનો ફાળો સતત વધતો જઈ રહ્યો છે. ૨૧મી સદીમાં સ્પેસ-ટેક એક મોટી ક્રાંતિનો આધાર બનવાની છે. આજે સ્પેસ ટેકનોલોજી હવે ‘દુરની સ્પેસ નહિ પરંતુ પર્સનલ સ્પેસ’ પણ બની રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, સામાન્ય માણસના જીવનમાં સ્પેસ ટેક્નોલોજી વણાઇ ગઇ છે. ટેલિવિઝન, જીપીએસ, અર્બન પ્લાનિંગ, ગ્રાઉન્ડ વોટર પ્રોજેક્ટ, ઇન્ફ્રા પ્રોજેક્ટ, કોસ્ટલ એરિયા પ્લાનિંગ ઉપરાંત વરસાદના પૂર્વાનુમાન, કુદરતી આપત્તિઓની આગોતરી જાણકારી સેટલાઇટની મદદથી મળી શકે છે એ દ્રષ્ટિએ સામાન્ય માનવી સાથે જોડાયેલા વિષયોમાં સ્પેસ ટેક્નોલોજીનો સિંહફાળો છે.
વડાપ્રધાનએ ‘ઇન-સ્પેસ ઇઝ ફોર સ્પેસ’, ‘ઇન સ્પેસ ઇઝ ફોર પેસ’, ‘ઇન સ્પેસ ઇઝ ફોર એસ’નું સુત્ર આપતા કહ્યું કે, આજે આપણે સૌ ‘વોચ ધી સ્પેસ’નું મહત્વ સમજી રહ્યા છીએ. આગામી સમયમાં સ્પેસ ટુરિઝમ અને સ્પેસ ડિપ્લોમસીમાં ભારત મહત્વની  ભૂમિકા ભજવશે.  
આ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે, આજે મોટા વિચારો જ વિજેતા બનાવે છે અને તેનું તાજુ ઉદાહરણ આજે આપણે સૌ જોઇ રહ્યા છીએ. સ્પેસ સેક્ટરમાં સુધારો કરીને તેને તમામ પ્રતિબંધોથી મુક્ત કરીને ઇન-સ્પેસના માધ્યમથી ખાનગી ઇન્ડસ્ટ્રીને સમર્થન આપીને દેશે આજે તેમને વિજેતા બનાવવાનું અભિયાન શરૂ કર્યું છે.
વડાપ્રધાનએ યુવાનોને હાંકલ કરતા કહ્યું કે, આપણા દેશમાં સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે અનંત સંભાવનાઓ છે, પરંતુ મર્યાદિત પ્રયાસોથી એ સાકાર ન થઇ શકે ત્યારે દેશના યુવાનો સ્પેસ રિફોર્મ ક્ષેત્રે આગળ આવે, સરકાર તેમને પૂરો સહયોગ આપશે.
તેમણે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકાર ભારતના ખાનગી ક્ષેત્રમાં વધુમાં વધુ ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’નો માહોલ બનાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. એટલું જ નહીં, અવકાશ ક્ષેત્રમાં સુધારાની આ પ્રક્રિયા અવિરતપણે ચાલુ રહેશે તેવી ખાતરી પણ આપી હતી.
આ અવસરે વડાપ્રધાનએ શિક્ષકોને અપિલ કરતા કહ્યું કે, વિદ્યાર્થીઓને સ્પેસથી જોડાયેલી ભારતીય સંસ્થાઓ અને સેન્ટરોની મુલાકાત કરાવે અને તેમને આ વિશે માહિતગાર પણ કરવા જોઇએ.
આ અવસરે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, ઇન-સ્પેસના મુખ્યાલયના ઉદઘાટન સાથે જ ભારતે સ્પેસ ક્ષેત્રે ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સ્ટાર્ટ અપ, ખાનગી ક્ષેત્ર અને યુવાનોના સંશોધનોને જોડીને એક ઈકોસિસ્ટમ બનાવી, ભારતને અંતરિક્ષ ક્ષેત્રમાં આગળ વધારવાનું સપનું બે વર્ષ પહેલા નરેન્દ્રભાઈએ જોયું હતું. આવનારા સમયમાં અંતરીક્ષ ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પણ નોંધપાત્ર રીતે કોન્ટ્રીબ્યુટર બનશે.
  અમિતભાઈ શાહે વધુમાં ઉમેર્યું કે, નીતિ નિર્ધારણ, પોલિસિ મેકિંગમાં મોદીજીએ ૨૦૧૪માં સૌથી મોટું લાવી અવકાશ ક્ષેત્રે રહેલી અગણિત સંભાવનાઓને ખુલ્લી મુકી છે.
અમિતભાઈ શાહે દ્રઢતાપૂર્વક કહ્યું કે, આજે આ નાનો દેખાતો કાર્યક્રમ ભારતની સ્પેસ ક્ષેત્રમાં મોટી છલાંગ સાબિત થશ નરેન્દ્રભાઈની કલ્પનાને સાકાર થતી આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ ત્યારે તેમના જ ઉદગારો યાદ કરીએ ‘પ્રતિભા પર કોઈ બંધી ન હોય શકે, પછી તે સાર્વજનિક ક્ષેત્રની હોય કે ખાનગીક્ષેત્રની’ આજે ઈનસ્પેસના લોકાર્પણ સાથે અંતરિક્ષ ક્ષેત્રે ભારતની અવિરત યાત્રા તેમણે શરૂ કરાવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, અમદાવાદમાં ઇન-સ્પેસ હેડક્વાર્ટર કાર્યરત કરાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અવકાશી શોધ-સંશોધનના દ્વાર પ્રાઇવેટ પ્લેયર્સ માટે ખોલી આપ્યા છે.
અવકાશ વિજ્ઞાનમાં રુચી ધરાવતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, ખાનગી કંપનીઓ કે ઉદ્યોગો હવે ઈસરો સાથે ભાગીદારીમાં સ્પેસ પ્રોજેક્ટ કરી શકશે. વડાપ્રધાનના માર્ગદર્શનને પરિણામે ભારતે ડિફેન્સ, સ્પેસ, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ, સ્ટાર્ટઅપ અને ડોમેસ્ટિક પ્રોડક્શન ક્ષેત્રે હરણફાળ ભરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન’ના સૂત્રમાં પ્રધાનમંત્રીશ્રીએ ‘જય અનુસંધાન’નો નવો આયામ જોડી આપ્યો છે. વિજ્ઞાન અને અનુસંધાન પ્રત્યે વડાપ્રધાનશ્રીના આ પ્રેરક અભિગમને કારણે દેશમાં ઇસરો જેવી સંસ્થાઓને ઘણું પ્રોત્સાહન મળ્યું છે.
આ તકે તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રીના આઠ વર્ષના કાર્યકાળમાં જનતાને સુશાસન અને વિકાસની અનુભૂતિ થઈ છે, દેશના ગરીબ માનવીનો સરકારમાં વિશ્વાસ પ્રસ્થાપિત થયો છે. રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ક્ષેત્રને નવી દિશા મળી છે, જેથી દેશના સામાન્ય નાગરિકના જીવન ધોરણમાં બદલાવ આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ મહાન વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈનો ઉલ્લેખ કરીને ઇસરો અને અમદાવાદ વચ્ચેના જૂના સંબંધને વર્ણવ્યો હતો. ઘાટલોડીયા વિસ્તારના ધારાસભ્ય હોવાને નાતે મુખ્યમંત્રીએ બોપલમાં ઇન-સ્પેસ હેડક્વાર્ટરની સ્થાપના કરવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
આ અવસરે નેશનલ સિક્યુરીટ એડવાઇઝર અજીત ડોભાલ, ઇસરોના ચેરમેન સોમનાથજી, ઇન સ્પેસના ચેરમેન પવન ગોયેન્કા, ગુજરાત ભાજપાના અધ્યક્ષ સી.આર.પાટીલ, ભારતના સ્પેસ ઇન્ડ્સ્ટ્રીના પ્રતિનિધિઓ તેમજ ઇન સ્પેસના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:20 pm IST)