Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

આણંદમાં આઇટી વિભાગદ્વારા ખાનગી સર્વે હાથ ધરવામાં આવતા તબીબોમાં ફફડાટ

આણંદ: કોરોનાકાળ દરમ્યાન દેશમાં વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી ત્યારે વડોદરાના એક ખ્યાતનામ તબીબને ત્યાં ગતરોજ આઈટી વિભાગના દરોડા પડયા બાદ ચરોતરના કેટલાક તબીબોએ કોરોનાકાળ દરમ્યાન સેવાની સાથે સાથે ભરપુર મેવા મેળવી દર્દીઓ પાસે ઉઘાડી લૂંટ ચલાવી હોવાની ચર્ચાઓ વચ્ચે આવા તબીબો ઈન્કમટેક્ષ વિભાગની રડારમાં આવ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. 

વધુમાં મળતી માહિતી મુજબ કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન આણંદ જિલ્લામાં કોરોના કેસો વધતા આણંદ જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં હાઉસફુલની સ્થિતિ જોવા મળી હતી. તેમાંય ખાસ કરીને કોરોનાની બીજી લહેર દરમ્યાન કેટલીક હોસ્પિટલો ખાતે દર્દીઓ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સમાં સારવાર મેળવવા માટે કતારોમાં જોવા મળ્યા હતા અને નંબર ક્યારે આવશે તેની રાહ જોતા નજરે પડયા હતા. આ સમયે ચરોતર પંથકના કેટલાક તબીબો માનવતા ભુલીને નાણાં રડવાનો સમય આવ્યો હોય તેમ દર્દીઓ પાસેથી નાણાં પડાવતા હોવાની ચર્ચાઓએ જોર પકડયું હતું. કોરોનાની સારવાર માટે વિવિધ  પેકેજો પણ આવા તબીબો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. કોરોના કાળ દરમ્યાન વધુ નાણાં વસુલનાર હોસ્પિટલો, તબીબો પર આઈ.ટી. વિભાગ દ્વારા ખાનગી રાહે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કોરોનાકાળ દરમ્યાન દર્દીઓ પાસેથી સારવારના નામે વધુ નાણાં પડાવનાર કેટલાક તબીબોએ આ કમાણીના નાણાં સોના-ચાંદીના દાગીના, સ્થાવર-જંગમ મિલકત ખરીદી કે સગાસંબંધીને નામે તેમજ અન્ય કોઈપણ પ્રકારે રોકાણ કર્યાની શંકા આઈ.ટી. વિભાગ દ્વારા સેવાઈ રહી છે ત્યારે કોરોનાકાળ દરમ્યાન સેવાના કાર્ય દરમ્યાન મેવા મેળવનાર આવા ર્ડાક્ટરો ઉપર આઈટી વિભાગ આગામી ટૂંક સમયમાં સંકજો કસે તેવી સંભાવનાઓ રહી છે.

(6:12 pm IST)