Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

અમદાવાદના ખાડિયા વિસ્‍તારમાં રાકેશ મહેતાની હત્‍યા કરનાર આરોપી મોન્‍ટુ નામદાર અને તેના સાગરીતોને ક્રાઇમ બ્રાન્‍ચ ઝડપી લીધાઃ વિશ્વા રામી અને જયરામ રબારીની શોધખોળ

પોલીસ પૂછપરછમાં જુની અદાવતના કારણે હત્‍યા થયાનું ખુલ્‍યુ

અમદાવાદઃ અમદાવાદના ખાડિયા વિસ્‍તારમાં રાકેશ મહેતા (બોબી)ની હત્‍યા જુની અદાવતના કારણે થઇ હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્‍યુ છે. ક્રાઇમ બ્રાન્‍ચે આરોપી મોન્‍ટુ કામદારને ઝડપી લઇને વિશ્વા રામી અને જયરામ રબારીને ઝડપી લેવા શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જાહેરમાં હત્યા કરનાર મોન્ટુ નામદારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પુત્રની હત્યાનું કાવતરું ઘડાતું હોવાની આશંકાને પગલે અદાવત રાખીને આરોપીએ રાકેશ ઉર્ફે બોબીની મહેતાની હત્યા કરવામાં આવી હતી.

શહેરના ખાડિયા વિસ્તારમાં બુધવારે બપોરના સમયે એક વ્યક્તિની જાહેરમાં હત્યા થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે આ હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ સ્થાનીક નામચીન મોન્ટુ નામદાર અને તેના સાગરિતો જ હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીને શોધવા માટે કામે લાગી હતી. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા જ આરોપી ની ધરપકડ કરી છે.જ્યારે અન્ય ફરાર આરોપી વિશ્વા રામી, જયરામ રબારી અને તેના બે મિત્રોની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે આરોપી મોન્ટુ નામદારની પ્રાથમિક  પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે વર્ષ 1992માં મોન્ટુ એ તેના કાકાની દીકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પ્રેમ લગ્ન કરનાર મહિલાના ભાઈ સચિન અને જુગનુને પસંદનો હોવાથી અવાર નવાર તેઓ મોન્ટુને મારવાના પ્લાન કરતા. જ્યારે થોડા સમય પહેલા સચિન, જુગનુ, રાકેશ ઉર્ફે બોબી મહેતા એ તેમના મળતિયા મારફતે મોન્ટુ નામદાર ના પુત્રની હત્યા કરવા માટે આબુ અને રતનપુરમાં એક મિટિંગ કરી હતી. જે અંગેની જાણ આરોપી મોંન્ટુને થતાં તેણે રાકેશ ઉર્ફે બોબી મહેતાની હત્યા કરવાનુ નક્કી કર્યું.

પ્લાન મુજબ જ્યારે બોબી ઓફિસ થી નીકળીને જુગનુની ઓફીસ જવા માટે નીકળ્યા તે સમયે આરોપીએ તેના સાગરીતો સાથે મળીને બેઝબોલના દંડ વડે માર મારી  હત્યા કરી.હાલમાં પોલીસે આરોપી મોન્ટુની ધરપકડ કરી ખાડિયા પોલીસને હવાલે કર્યો છે. જયારે હત્યાના ગુનામાં અન્ય ફરાર આરોપીઓ પકડાયા બાદ બોબીની હત્યા અંગેના કેટલાક કારણો અને હત્યારાઓના નામ મોન્ટુની પૂછપરછ બાદ સામે આવી શકે છે. મહત્વનું છે કે મોન્ટુ નામદાર વિરુદ્ધ પણ અગાઉ ઘણા પોલીસ કેસ થઈ ચૂક્યા છે.

(5:19 pm IST)