Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જંગલમાં વિહરતા સિંહોનું વેકસીનેશન કેટલું હિતાવહ?

પ્રિય મિત્રો,

આ ચર્ચામાં મુખ્‍યત્‍વે બે મુદ્દા છે.

૧. જ્‍યારે canine distemper virus નું સંક્રમણ થયેલ ત્‍યારે ઘણા સિંહોને વેક્‍સિનેશન કરાયેલ તે યોગ્‍ય હતું કે નહીં?

૨. અત્‍યારે ગુજરાતમાં CDV માટે વેક્‍સિન તૈયાર થઈ રહ્યું છે તે યોગ્‍ય છે કે નહીં?

 સન ૨૦૧૮ માં જે વેક્‍સિનેશન થયેલ તે બાબત ઘણી ચર્ચા થઈ ગયેલ છે અને હજી પણ થઈ શકે એમ છે, તેથી અત્‍યારે હું વધારે કંઈ કહેતો નથી.

આપણે જાણીએ છીએ કે ત્‍યારે ૨૯ સિંહો મૃત્‍યુ પામેલ અને ૩૩ સિંહો ને આજીવન પ્રાણી સંગ્રહાલયમાં મોકલી દેવામાં આવેલ. CDV અને બબેસિઓસિસ ના સંયુક્‍ત સંક્રમણ ના કારણે આ પરિસ્‍થિતિ સર્જાઈ હતી. સન ૨૦૧૯ માં પણ લગભગ આવીજ ગંભીર પરિસ્‍થિતિ સર્જાઈ હતી, પરંતુ અધિક્રુત રીતે કારણ જાણવા મળ્‍યું નથી.

 હાલમાં ગુજરાતના ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્‍ટર (GBRC) દ્વારા જે વેક્‍સિન બનાવવામાં આવેલ છે, તેનું પરીક્ષણ સૌ પ્રથમ પ્રાણી સંગ્રહાલયમાં રહેલા દિપડા ઉપર કરવામાં આવશે અને જો સફળતા મળશે તો પછી (પ્રાણી સંગ્રહાલયના) સિંહો ઉપર કરવામાં આવશે, તેમ જાણવામા આવેલ છે. આ માટે NBWL પાસે મંજૂરી માંગવામાં આવી છે.

 મેં આ બાબત અમુક અનુભવી મહાનુભાવો, સંશોધકો અને તજજ્ઞો સાથે ચર્ચા કરેલ છે. તેઓ બધા એકમત નથી.

 ડો. એચ.એસ.સિંહ સાહેબ, ભા.વ.સે. (નિવળત્ત) સાથે એક વખત વાત થયેલ ત્‍યારે તેમણે જણાવ્‍યું હતું કે જો એશીયાઇ સિંહો માટે સમર્પિત વેક્‍સિન શોધાઈ જાય તો તે સારી બાબત હશે.

આપ સૌને ખ્‍યાલ હશે જ ડો. સિંહ સાહેબ ખૂબજ અનુભવી, જાણકાર અને નિષ્‍કલંક અધિક મુખ્‍ય વન સંરક્ષક શ્રી તરીકે નિવળત્ત થયેલા. તેઓશ્રીએ સિંહ ઉપર પીએચડી કરેલ છે. ગુજરાત ના જૈવિક વૈવિધ્‍ય તથા એશિયાઈ સિંહો ઉપર માહિતી સભર પુસ્‍તકો લખેલ છે. હાલમાં તેઓશ્રી નેશનલ બોર્ડ ફોર વાઈલ્‍ડ લાઈફ નાં સભ્‍ય છે.

 મારું અંગત રીતે માનવું છે કે જંગલ માં વિહરતા સિંહો/દિપડા ને વેક્‍સિનેશન કરવું તે હાલ ઉપલબ્‍ધ વેક્‍સિન દ્વારા બિલકુલ હિતાવહ નથી, પરંતુ ભવિષ્‍યમાં શોધાનારા વેક્‍સિન બાબતે શોધ થયા પહેલા નક્કી ન કરી શકાય. CDV જેવા વાયરસ સામે અસરકારક વેક્‍સિન ની શોધ થયા પહેલા જ તેનો વિરોધ કરવો યોગ્‍ય નથી. આફ્રીકા કે અમેરિકા માં જે શોધો નથી થયી તે અન્‍ય દેશો માં ન થયી શકે એવું તો નથી!

 પ્રાણી સંગ્રહાલયમાં રહેતા પ્રાણીઓ ઉપર વેક્‍સિનેશન કરવામાં મોટેભાગે કોઈનો વિરોધ ન હોઈ શકે.

 ભવિષ્‍યમાં જંગલમાં શું થઈ શકે અને જો કંઈ અજુગતું થઈ થાય તો વેક્‍સિનેશન હોય તો ઉપયોગી થઇ શકે. જોકે જંગલમાં વિહરતા સિંહો માટે વેક્‍સિનેશન અંતિમ વિકલ્‍પ હોવો જોઈએ.

 GBRC ના વેક્‍સિન ની અસર કેટલા સમય માટે રહેશે તેની માહિતી અત્‍યારે ઉપલબ્‍ધ નથી, પરંતુ એક જ ડોઝ (Single shot) નું વેક્‍સિન છે. ભવિષ્‍યમાં વધુ જાણકારી મળે ત્‍યારે ચિત્ર સ્‍પષ્ટ થશે.

 તાજેતરમાં સમાચાર આવ્‍યા છે કે કોરોના વેક્‍સિન નું પરિક્ષણ સક્કરબાગમાં અમુક પ્રાણીઓ પર શરૂ થયેલ છે.

આભાર.

       ભૂષણ પંડ્‍યા.

મો. ૯૪ર૮ર ૦૩૧૧૭   

(3:00 pm IST)