Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

યુરિયા ખાતર જે ખેડૂતોને ₹6 માં ઉપલબ્ધ છે, તે ફેક્ટરીમાં ₹77 માં વેચાઈ રહ્યું છે : ખેડૂતોને આપવામાં આવતા સબસીડાયિસ યુરિયા ખાતર ને મોટી ફેક્ટરીઓમાં ટેકનિકલ યુરિયાના નામે ઊંચા ભાવે વેચવામાં આવી રહ્યું છે : રાજ્યમાં મોટા પાયે યુરિયાનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે : ભાજપના શાસનમાં બીજ બુટલેગરો ને સરકારનું સમર્થન છે : સરકારના ઈશારે બીજ બુટલેગરોની સામે કોઈ પોલીસ ફરિયાદ નહીં: ગુજરાતમાં કરોડો રૂપિયાના બીટી કોટન બિયારણનો ગેરકાયદેસર વેપાર થાય છે : ઈસુદાન ગઢવી

નવા ખેડૂત સંગઠનોને વિશ્વાસમાં લઈ ગેરકાયદેસર બીટી કપાસના બિયારણ મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે અને લાખો ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે : આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાનો ભાજપ સરકાર સામે આક્રોશ

રાજકોટ તા.૧૦ : આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી એ ખેડૂતોને લગતા ગંભીર મુદ્દા પર બોલતા કહ્યું કે, એક ગંભીર બાબત અમારા ધ્યાનમાં આવી છે જેમાં ખેડૂતોનું  સબસીડાયિસ યુરિયા ખાતર, ટેક્નિકલ યુરિયાના નામે મોટા કારખાનાઓમાં ઊંચા ભાવે વેચવામાં આવે છે. યુરિયા, જે ખેડૂતોને ₹6 માં ઉપલબ્ધ છે, તે ફેક્ટરીમાં ₹77 ના ભાવે વેચાઈ રહ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં યુરિયાનું બ્લેક માર્કેટિંગ મોટા પાયે થઈ રહ્યું છે અને તેમાં પણ ક્યાંકને ક્યાંક સરકારની મિલીભગત ની ગંધ આવે છે. કાળાબજાર કરનારા આ લોકો સામે કોઈ જબરદસ્તી ભર્યું પગલું ન ભરીને સરકાર સાબિત કરે છે કે તે પણ આ કાળાબજાર સાથે સંકળાયેલી છે.

યુરિયાનો ઉપયોગ લેમિનેશન સીટ, કેટલ ફીલ્ડ અને પ્રિન્ટીંગ પ્રક્રિયા જેવા ઘણા ઉદ્યોગોમાં થાય છે. જેના કારણે યુરિયાની માંગ ઘણી વધારે રહે છે. આ માંગને પહોંચી વળવા માટે, કાળાબજાર કરનારા સબસીડાયિસ યુરિયાને ટેક્નિકલ યુરિયા બેગમાં પેક કરીને વેચે છે. તેનું એપીસેન્ટર ખંભાતમાં હોવાનું કહેવાય છે. અને સરકાર અમુક જગ્યાએ રેડ પાડીને સંતોષ માની લે છે, પરંતુ કાળાબજારી કરનારા ઓ સામે કોઈ કડક પગલાં લેવાતા નથી.

 

વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં, ગુજરાતમાં બીજ બુટલેગર ગેંગ સક્રિય છે, જે ગુજરાત રાજ્યના ખેડૂતોને અલગ-અલગ નામે બીટી કપાસના બિયારણ નું ઉત્પાદન કરીને ગેરમાર્ગે દોરે છે. આ બીજ બુટલેગરો ને સરકારનું સમર્થન પ્રાપ્ત છે તે સહેજ પણ આશ્ચર્યજનક નથી. હાલમાં જ એક બીજ બુટલેગરને કૃષિ વિભાગે પકડ્યો છે, ત્યારે ખબર પડી કે આ બુટલેગર છેલ્લા 17 વર્ષથી આ કામ કરી રહ્યો છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ બધું કામ ભાજપ સરકારની મિલીભગતથી ચાલી રહ્યું હતું.

 

અમદાવાદ નજીકના મોરૈયા માંથી બીજ બુટલેગર પાસેથી નકલી બીટી કપાસનો દેશનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. થોડા દિવસો પહેલા કૃષિ વિભાગ દ્વારા 40000 પેકેટો જપ્ત કરવામાં આવ્યા હતા પરંતુ આ બીજ બુટલેગર સામે કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે આ બીજ બુટલેગરો ને સરકાર નું સંરક્ષણ પ્રાપ્ત છે. અને આ ગુજરાતના ખેડૂતો સાથે છેતરપિંડી છે. સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ સરકારે કદાચ ખેડૂતોને બદલે બીજ બુટલેગર ની આવક વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

 

આ બીજ બુટલેગર 17 વર્ષથી આ કામ કરી રહ્યો હતો, એટલે કે અત્યાર સુધીમાં ગુજરાતના લાખો ખેડૂતોને નબળી ગુણવત્તા નો માલ વેચીને તે ખેડૂતોને કરોડો કે કદાચ અબજોનું નુકસાન થયું હશે. નબળી ગુણવત્તાના બિયારણ ને કારણે ખેડૂતોને પાકને વધુ નુકસાન થાય છે. અને મોટાભાગના ખેડૂતો સમજી શકતા નથી કે તેમના પાક ની નિષ્ફળતા પાછળનું કારણ નબળી ગુણવત્તા વાળા બીજ હતા. તે ખેડૂત મોટે ભાગે પોતાને દોષ આપે છે. આ રીતે ઘણા ખેડૂતો આર્થિક રીતે ગરીબ બની જાય છે અને ઘણી વખત આત્મહત્યા કરવાનો કઠોર નિર્ણય લે છે. તો આના પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોની આર્થિક પાયમાલી પાછળ રાજ્ય સરકાર દ્વારા રક્ષિત બીજ બુટલેગરો નો હાથ છે અને જેટલો દોષ આ બીજ બુટલેગરો નો છે તેટલો જ દોષ રાજ્ય સરકારનો છે.

 

અમે ઇચ્છીએ છીએ કે સરકાર ખેડૂતો વિશે વિચારે અને આ યુરિયાના કાળાબજારી અને બીજ બુટલેગરો ને કડકમાં કડક સજા આપે. અને આ લોકો સાથે મુલાકાત કરનારા ભાજપના નેતાઓ કે અધિકારીઓને પણ સજા થવી જોઈએ.

(2:43 pm IST)