Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ચારધામની યાત્રાએ જતા ગુજરાતીઓના કડવા અનુભવો : બેફામ લૂંટફાટની બૂમ

પગરખા મૂકવાના ૩૦, યમનોત્રીમાં પાણીની બોટલના ૫૦ : યમનોત્રીની ૬ કિ.મી.ની યાત્રા જોખમી, પાલખીવાળા ધક્કે ચડાવી રહ્યા છે

નવી દિલ્‍હી,તા. ૧૦ : ચારધામની યાત્રાએ જતા ગુજરાતી ઉપરાંત દેશના અન્‍ય યાત્રીઓને કડવા અનુભવ થઇ રહ્યા છે. એક તરફ ઉત્તરાખંડ સરકાર નિઃશુલ્‍ક સેવા કરી રહી છે, ત્‍યાં કેટલાક લેભાગુ તત્ત્વો યાત્રીઓને રીતસર લૂટી રહ્યા છે. ઉત્તરાખંડ સરકાર રજીસ્‍ટ્રેશન ફ્રી, ઓક્‍સિજન ફ્રી, મેડિકલમાં દવાઓ સાથે સલામતીના પગલા ભરી રહ્યું છે, ત્‍યારે યમનોત્રીની ૬ કિ.મીના લાંબી યાત્રા કરતા યાત્રીઓને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. યાત્રીઓ માટે આ યાત્રા જોખમી બની રહી છે.

પાલખી વાળા એટલી ઝડપે પાલખી લઇને જાય છે અને સાંકડા પહાડી રસ્‍તાઓ પર ચાલતા જતા યાત્રીઓને અડફેટે લઇ રહ્યા છે. જેના કારણે ઊંડી ખીણમાં પડી જવાનુ જોખમ ઉભુ થયુ છે. દર વર્ષે હજારો નહીં પણ લાખ્‍ખો શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જતા હોય છે. જેમાં ગુજરાતના યાત્રીઓની સંખ્‍યા વધારે હોય છે.

ગંગોત્રી મંદિરમાં દર્શનાર્થે જતા યાત્રીઓને મંદિરની બહાર પગરખા મૂકવા હોય તો ૩૦ રૂપિયા ચૂકવવા પડે છે અને કોઇ રિસિપ્‍ટ પણ આપવામા આવતી નથી જેના કારણે તકરાર થવાના બનાવો બને છે. મંદિરના મેનેજમેન્‍ટ દ્વારા કોઇ પગલા ભરાતા નથી. જેના કારણે લેભાગુ તત્‍વો યાત્રાળુંઓને રીતસર લૂંટી રહ્યા છે. ‘રૂપિયા નથી તો યાત્રા કરવા કેમ આવો છો?'- તેમ કહીને બધા ભેગા થઇને યાત્રીઓને ધમકાવી રહ્યા છે.

આવી જ પરિસ્‍થિતિ યમનોત્રી મંદિરની છે. અહી પાણીની બોટલના ૫૦ રૂપિયા પડાવી લેવામા આવે છે. જેના કારણે યાત્રીઓને પીવાના પાણીના નાછૂટકે રૂપિયા ચૂકવવા પડે છે. પાન મસાલા ગુટખાના એકના ૫૦ રૂપિયા પડાવી લેવાય છે. આમ રીતસર લૂંટફાટ કેટલાક તત્‍વો ચલાવી રહ્યા છે અને કોઇને કંટ્રોલ રહ્યો નથી. યાત્રીઓનુ કહેવું છે કે, અહી સરકાર બધી સગવડો ફ્રી આપી રહી છે, ત્‍યારે આવા તત્‍વો યાત્રીઓને હેરાન પરેશાન કરીને અપમાનિત કરી રહ્યા છે. ઝઘડા અને મારામારીના બનાવો પણ બની રહ્યા છે.

ખાસ કરીને હેલિકોપ્‍ટરમા જવા ઇચ્‍છતા યાત્રીઓને તકલીફ પડી રહી છે. તા.૧૫ જૂન સુધીના બુકિંગ હોવાથી ભલામણો કરીને યાત્રાઓ કરવી પડે તેવી સ્‍થિતિ છે. યાત્રા કરી રહેલા ગુજરાતીઓ અને પરત આવેલા યાત્રીઓ તેમની આપવીતી વર્ણવી છે.

(10:24 am IST)