Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

રાજ્‍યભરમાં પંપ સંચાલકોના ડીઝલના જથ્‍થા ઉપર ૫૦ ટકાનો કાપ મુકાયો

જથ્‍થાબંધ ડીઝલની ખરીદી બંધ થતા કંપનીએ નાક દબાવ્‍યું : બીપીસી અને એચપીસીએ એસટીને ડીઝલ આપવા મનાઇ ફરમાવી

અમદાવાદ,તા. ૧૦ : રાજ્‍યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટયા પછી નવા પ્રકારની પરિસ્‍થિતી પેટ્રોલપંપ સંચાલકો સાથે થઇ છે. બીપીસી અને એચપીસી કંપનીએ પંપ સંચાલકોને જેટલા જથ્‍થાનો ઉપાડ કરતા હોય તેના ફકત ૫૦ ટકા જ માલ સપ્‍લાય કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ જથ્‍થાબંધ ઉપાડ કરતા ગ્રાહકો ખાસ કરીને એસટીને ડીઝલ આપવાની મનાઇ કરી હોવાનું જાણવા મળે છે. રિટેઇલ વેચો પરંતુ જથ્‍થાબંધમાં નહીં વેચો તેવી સૂચના આપી હોવાનું જાણવા મળે છે.

કેન્‍દ્ર સરકારે એક્‍સાઇઝમાં ઘટાડો કરતા પેટ્રોલખ અને ડીઝલના ભાવ ઘટયા છે. અમદાવાદમાં ડીઝલનો ભાવ રૂા. ૯૨.૧૭ છે. જો કે જથ્‍થાબંધ ડીઝલના ભાવમાં પહેલેથી વધારો ઝીંકાયો હતો. આજથી તારીખે જથ્‍થાબંધ ગ્રાહકો માટે ડીઝલનો ભાવ રૂા. ૧૦૦ થી ઉપર જ છે. કયાંક રૂા. ૧૧૭ તો કયાંક રૂાફ ૧૨૫ પણ છે. એસટી, ફેકટરી સંચાલકો, ફિઝરીઝ જેવા જથ્‍થાબંધ ગ્રાહકો માટેના ડીઝલના ભાવમાં અસહ્ય વધારો થતા આ ગ્રાહકોએ કંપની પાસેથી ડીઝલ ખરીદવાનું બંધ કર્યું હતું. તેના બદલે પેટ્રોલ પંપ પરથી ડીઝલ ખરીદવાનું શરૂ કર્યું. આ કારણથી કંપનીઓને ખોટ જવા લાગી તેથી આ ખોટ સરભર કરવા માટે કંપનીઓએ પેટ્રોલ પંપ સંચાલકોના ઉપાડ પર પ્રતિબંધ મુકી દીધો હોવાનું જાણવા મળે છે.

જાણવા મળ્‍યા મુજબ બીપીસી અને એસપીસીએ પંપ સંચાલકોને ઉપાડના ૫૦ ટકા ડીઝલનો જથ્‍થો જ આપવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને એસટીને ડીઝલ નહીં આપવા તાકીદ કરી છે. આ નિર્ણયથી સામાન્‍ય ગ્રાહકોને કોઇ તકલીફ નહીં પડે પરંતુ જથ્‍થાબંધ ગ્રાહકોને તકલીફ પડશે તે નક્કી છે. ડીઝલના ભાવ સંબંધી આ પરિસ્‍થિતી માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં એકસમાન પ્રવર્તી રહી છે. 

(10:18 am IST)