Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ગાંધીનગર નજીક આવેલ રૂપાલ ગામમાં વેપારીના ઘરને નિશાન બનાવી તસ્કરોએ 13તોલા દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા રૃપાલ ગામમાં રહેતા અને મોટર રીવાઈડીંગનો વ્યવસાય કરતાં વેપારીના ઘરમાંથી ૪.પ૦ લાખની કિંમતના ૧૩ તોલા દાગીના ચોરીને ગામના જ શખ્સે ૩.૭૯ લાખની ગોલ્ડ લોન લઈ લીધી હોવાની શંકાના આધારે પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસ હવે જે સ્થળોએથી લોન લીધી છે તે સ્થળોએ તપાસ કરવાનું નક્કી કર્યું છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા રૃપાલ ગામના ખોડીયાર વાસમાં રહેતા કનુભાઈ રમેશચંદ્ર વ્યાસ સબ મર્શીબલ પંપ અને મોટર રીવાઈડીંગનો વ્યવસાય કરે છે તેમના લગ્ન સમયે પત્નિના પિયરમાંથી ૪.પ૦ લાખની કિંમતના ૧૩ તોલાના દાગીના આવ્યા હતા જે ઘરની તિજોરીમાં રાખવામાં આવતા હતા. ગત તા.૭ જુલાઈએ તેમની પત્નિએ તીજોરીની સાફસફાઈ કરતાં તેમાં દાગીના જણાયા નહોતા. દાગીના સંદર્ભે તપાસ કરવા છતાં કોઈ અતોપતો લાગ્યો નહોતો પરંતુ રૃપાલ ગામના ઠાકોરવાસમાં રહેતો દિગ્વિજયસિંહ દિનેશસિંહ ઠાકોર અવારનવાર તેમના વાસમાં આવતો હતો અને આ ચોરી થયા પછી તે દેખાતો નહોતો. જેના પગલે કનુભાઈએ તેની ગુપ્તરાહે તપાસ શરૃ કરી હતી અને જાણવા મળ્યું હતું કે દિગ્વિજયસિંહ પાસે રૃપિયા આવ્યા છે. જે સંદર્ભે તેની પુછપરછ કરતાં તેણે કલોલ અને અમદાવાદની ફાઈનાન્સ કંપની પાસેથી ૩.૭૯ લાખની ગોલ્ડ લોન લીધી હોવાનું કબુલ્યું હતું પરંતુ આ દાગીના કયાંથી આવ્યા તે સંદર્ભે જવાબ આપ્યો નહોતો. જેના પગલે તેણે જ દાગીના ચોર્યા હોવાની શંકા રાખીને કનુભાઈએ તેની સામે પેથાપુર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે હાલ તો પોલીસે દિગ્વિજયસિંહ સામે ગુનો દાખલ કરીને દાગીના તપાસવા કલોલ અને અમદાવાદના ફાઈનાન્સ કંપનીમાં જવાનું નક્કી કર્યું છે. 

(5:56 pm IST)