Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ગુજરાત આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ : પ્રદેશ યુવા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણનું રાજીનામું

તાજેતરમાં જ યુવા પ્રમુખ તરીકે સોંપાઈ હતી જવાબદારી દાંતામાં એક કાર્યક્રમનું આયોજનમાં પ્રદેશથી ટકોર બાદ વિવાદ

અમદાવાદ : ગુજરાત AAPમાં પણ જૂથવાદ છે, પ્રદેશ AAPના યુવા પ્રમુખ મહિપતસિંહ ચૌહાણએ રાજીનામું ધરી દીધું છે. થોડા દિવસ અગાઉ જ યુવા પ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ છે. પોતાના રાજીનામા અંગે મહિપતસિંહ ચૌહાણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી હતી. બનાસકાંઠાના દાંતા ખાતેના કાર્યક્રમને લઈ વિવાદ થયો હતો. જે બાદ ગુજરાત AAP યુવા પ્રમુખના પદ પરથી મહિપતસિંહે રાજીનામું ધરી દીધું છે. ગુજરાત AAPની હજુ પૂરતી ટીમ બની નથી. ત્યારે પહેલા પદ્દાધિકારીએ રાજીનામું પણ ધરી દીધું છે. 

સોશિયલ મીડિયામાં લાઈવ થઈને મહિપતસિંહે પોતાના રાજીનામા અંગે જાહેરાત કરી હતી. સાથે કહ્યું કે, પાર્ટીને મારે ઉપર સુધી પહોંચાડવી હતી. પણ મને જે રીતે કામ કરવું છે. તે રીતે કામ કરવા મળતું નથી.

મહિપતસિંહે પોતાના રાજીનામા સાથે કારણ આપ્યું કે, તેને પાર્ટીમાં પુરતી છૂટ સાથે કામ કરવા મળતું નથી. બનસકાંઠાના દાંતામાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 200 જેટલા કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાવવાના હતા. પરંતુ મહિપતસિંહ ચૌહાણના કાર્યક્રમમાં જવા પહેલા તેને પ્રદેશમાંથી ફોન કરીને કાર્યક્રમની મનાઈ કરી દેવાઈ હતી. અને પાર્ટીના તમામ કાર્યક્રમોનો પ્રોટોકોલ હોવાનું જણાવ્યું હતું. સાથે ભવિષ્યમાં તમામ કાર્યક્રમ અંગે પ્રદેશ અને જે તે વિસ્તારના ઝોન પ્રમુખને જાણ કરીને કાર્યક્રમમાં હાજરી આપવાનું કહેવાતા મહિપતસિંહ નારાજ થયા હતા. જે બાદ તેણે પોતાની કામ કરવાની બંધનમાંથી છૂટી રાજીનામું ધરી દીધું હોવાની વાત સામે આવી છે. 

મહિપતસિંહ ખેડા જિલ્લાના વસોના લોલના પૂર્વ સરપંચ અને સર્વ સમાજ સેનાના અધ્યક્ષ રહી ચૂક્યા છે. થોડા સમય પહેલા તેણે સક્રિય રાજનીતિમાં આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો હતો. જેનો સાથ અહીં સુધી જ જોવા મળે છે. BA અને LLBનો અભ્યાસ કરેલા મહિપતસિંહ સરપંચ તરીકે જાણીતા છે. વર્ષ 2009થી 2016 સુધી મહિપતસિંહે કલકત્તામાં સારા પદ પર નોકરી પણ કરી છે. તો ડિસેમ્બર 2016માં તેમણે સરપંચની ચૂંટણી પણ જીતી હતી. પરંતુ 2 વર્ષમાં આ પદ છોડવું પડ્યું હતું. જે બાદ સક્રિય રાજનીતિમાં ફરી ઝંપલાવ્યું અને ગુજરાત આમ આદમી પાર્ટીમાં યુવા પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી હતી. 

(11:12 pm IST)