Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કોરોના મહામારીના કપરાં કાળમાં પ્રાકૃતિક કૃષિ સંજીવની સમાન છે - ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન થયેલાં ખાદ્યાન્ન રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જ્યારે રાસાયણિક કૃષિ રોગ ફેલાવે છે : ડાંગ જિલ્લાને રાજ્યનો પ્રથમ પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો બનાવવા પ્રાકૃતિક કૃષિ યોજકો - માસ્ટર્સ ટ્રેનર્સ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નો ફળદાયી સંવાદ : ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે મોડેલ રાજ્ય બની દેશભરના કિસાનોને પ્રેરણા પૂરી પાડશે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો બનાવવાના રાજ્ય સરકારના નિર્ધારને સાકાર કરવા પ્રાકૃતિક કૃષિના સંયોજકોને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીનું જન-અભિયાન ગુજરાતના પ્રત્યેક ગામમાં ખેડૂતો સુધી પહોંચશે.

તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારીનો ચોક્કસ ઈલાજ નથી. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તે વ્યક્તિ આ રોગ સામે પ્રતિકાર કરી શકે છે તે નિશ્ચિત છે. રોગ પ્રતિકાર શક્તિ ખાનપાનથી બને છે. રાસાયણિક ખાતરોથી તૈયાર થયેલું ખાદ્યાન્ન રોગપ્રતિકારક શક્તિ વધારવાને બદલે શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ ઉપાય છે. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને સંજીવની સમાન ગણાવી હતી.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ પૂરી પ્રમાણિકતાથી પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ. જીવામૃત - ઘન જીવામૃતનું નિર્માણ વિધિપૂર્વક થાય તેનો ઉપયોગ નિયમાનુસાર થાય તે પદ્મ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિની સફળતા માટે અતિ આવશ્યક છે. ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો જાહેર કરાયો છે. ત્યારે પ્રાકૃતિક કૃષિનું યોગ્ય મોડેલ ખેડૂતો સુધી પહોંચે તે આવશ્યક છે. તેમણે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિને શ્રેષ્ઠ ઉપાય ગણાવતા જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં 1.70 લાખ ખેડૂતો પ્રાકૃતિકકૃષિ સાથે જોડાયા છે.

ખેડૂત જ ખેડૂત માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમ જણાવતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં પ્રાકૃતિક કૃષિ અપનાવનારા ખેડૂતોની આવકમાં 27 ટકાનો વધારો થયો અને 56 ટકા કૃષિ ખર્ચામાં ઘટાડો થયો છે. તેવું હન્‍િમાચલ વિભાગના કૃષિ વિભાગના આંકડામાં દર્શાવાયું છે.

(8:22 pm IST)