Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

સરસપુર ખાતે મોસાળમાં ભોજન પ્રસાદ પર પ્રતિબંધ લદાયો : પ્રદિપસિંહ જાડેજા

પુજાવિધિમાં ભાગ લેનારા ભાવિકો તથા ખલાસીઓનો 48 કલાક પહેલાંનો RTPCR ટેસ્ટ નેગેટીવ જરૂરી : ભાગ લેનારા તમામ લોકોએ ફેશ કવર, માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

ગાંધીનગર: 144મી રથયાત્રાને કોરોનાના ચુસ્ત પાલન સાથેની કેટલીક શરતોને આધીન મંજુરી આપવામાં આવતાં છેલ્લાં કેટલાંક દિવસથી ચાલતી ચર્ચાનો અંત આવ્યો છે. આ રથયાત્રા દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરૂરી વિસ્તારોમાં સવારે 7થી બપોરના 2 કલાક સુધી કરફયુ લગાવવાનો રહેશે. રથયાત્રા નિજ મંદિરથી નીકળે તે વહેલાં નિજ મંદિરે આવી જાય તો કરફયૂ વહેલો પુરો થવાની જાહેરાત કરાશે. આ ઉપરાંત જરૂર જણાય તેવા રસ્તાઓ પર પ્રવેશ તથા બહાર જવાના રસ્તાઓ નિયંત્રિત કરવામાં આવશે. તેમજ પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારને જોડતાં પુલો પર બંધ કરવામાં આવશે.

રથયાત્રાને મંજુરી આપવાની જાહેરાત કરતાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રથયાત્રાના પ્રસ્થના તથા પરત આવ્યા બાદમાં કરવામાં આવતી ધાર્મિક વિધિમાં રાજય સરકારે નક્કી કરેલી સંખ્યા કરતાં વધુ લોકો એકત્રિત ન થાય તે અંગે આયોજકોએ કાળજી લેવાની રહેશે. અમદાવાદની પ્રખ્યાત રથયાત્રા સહિત રાજયમાં અન્ય જગ્યાએ યોજાનારી રથયાત્રા/ શોભાયાત્રા પરંપરાગત માર્ગ ઉપર પરિભ્રમણ અર્થે નીકળે ત્યારે નિશાન ડંકા, રથ, મહંત તથા ટ્રસ્ટીના વાહન સાથે નીકળશે. પરંતુ અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી કે અન્ય કોઇ વાહનો રથયાત્રામાં ભાગ લઇ શકશે નહીં. તેમજ ખલાસીઓ તથા પૂજા વિધિમાં ભાગ લેનારા ભાવિકોનો રથયાત્રાના 48 કલાક પહેલાં આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ હશે તેઓ જ રથયાત્રામાં સામેલ થઇ શકશે. આ તમામ વેકસિનનો પ્રથમ ડોઝ લીધેલો હોવો જોઇએ. જો કે બંને ડોઝ લીધેલા હોય તેવાને અગ્રિમતા આપવાની રહેશે. રથયાત્રામાં મંજુરી અપાયેલા વાહનો તથા રથ વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે. આ ઉપરાંત સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાને લઇ અન્ય નિયંત્રણો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૂકી શકાશે.

વધુમાં ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વખતે પરંપરાગત રથયાત્રા કરતાં કોવિડ 19ને ધ્યાનમાં લઇને અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના ભાગરૂપે સરસપુર ખાતે મોસાળામાં રથયાત્રા નિયત સમય માટે વિશ્રામ લેનાર છે. જે દરમિયાન પ્રતિવર્ષની જેમ મોટાપાયે થતા ભોજનપ્રસાદના આયોજન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, સમગ્ર રાજયમાં 11મી જુલાઇથી 13મી જુલાઇના રોજ યોજાનાર રથયાત્રા/શોભાયાત્રા ઉપરના નિયંત્રણો, શરતો અમલી રહેશે. રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કોવિડ 19ના સંક્રમણ/ નિયંત્રણ કરવા માટે સંબંધિત વહીવટી તંત્ર દ્વારા જે સૂચનાઓ અપાઇ હોય તેનું ચુસ્તપણે પાલન આયોજકો દ્વારા કરવાનું રહેશે.ભાગ લેનારા તમામ લોકોએ ફેશ કવર, માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ  શાહ મંગળા આરતી કરી ભગવાન જગન્નાથના આર્શીવાદ લેશે. જયારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જગન્નાથ મંદિર ખાતે પહિંદ વિધિમાં સહભાગી બનીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.

 

રાજયમાં કોવિડ 19ની રીકવરી રેટમાં સતત વધારો થયો છે. આજે 98.54 ટકા જેટલો રીકવરી રેટ છે અને પોઝીટીવીટી રેટ 0.1 ટકા જેટલો છે. રાજયમાં છેલ્લાં 24 કલાકમાં માત્ર 65 કેસ પોઝિટિવ નોંધાયેલા છે. અત્યાર સુધીમાં 8,11,988 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજયમાં હાલ 1,969 એકટીવ કેસ છે. તે પૈકી 1,959 સ્ટેબલ છે અને એકપણ વ્યક્તિનું મુત્યુ થયું નથી. શહેરનો રીકવરી રેટ 98.19 ટકા અને માત્ર 884 એકટીવ કેસ છે. જેને ધ્યાનમાં લઇને શ્રધ્ધાળુંઓની આસ્થા પરિપૂર્ણ થાય અને લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે તે માટે કોવિડ 19ના પ્રોટોકોલનો ચુસ્ત પાલન કરી રથયાત્રા યોજવાની મંજુરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(8:15 pm IST)