Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

લ્યો બોલો : વેન્ટિલેટર ખરીદીનો હિસાબ મળતો નથી : અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં ઉગ્ર રજૂઆત

8 કરોડ રૂપિયા વેન્ટિલેટર ખરીદી માટે ગ્રાન્ટ ફાળવી પણ અધિકરોએ હિસાબ ના આપ્યો હોવાનો આક્ષેપ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8.5 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલા વેન્ટિલેટરનો હિસાબ ન આપતા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ઉગ્ર બની હતી. એએમસી દ્વારા કોરોના કાળમાં વેન્ટિલેટરની ખરીદી ધારાસભ્યો કાઉન્સીલરો તેમજ સંસદ સભ્યોની ગ્રાન્ટ વાપરવામાં આવી હતી. જેમાં દરેક કાઉન્સિલરના બજેટમાંથી વેન્ટિલેટર ખરીદી માટે 5 લાખ રૂપિયા ફાળવ્યા હતા. આમ અમદાવાદના 160 કાઉન્સીલરોના બજેટમાંથી 8કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી

પરંતુ અધિકારીઓ દ્વારા કાઉન્સિલરોને વેન્ટિલેટર ખરીદી અંગે કોઈ હિસાબ આપવામાં આવતો નથી. જેને કારણે આજે કમિટીના સભ્યો દ્વારા કમિટીમાં ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી .જો કે ઉગ્ર રજૂઆત બાદ પણ અધિકારીઓ દ્વારા આ વેન્ટિલેટર ખરીદીનો હિસાબ આપવાનું ટાળ્યું હતું. તેમજ આ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ ( મેટ) માંથી ખરીદી થતી હોવાથી અહીંયા તે અંગે ચર્ચા ના થઈ કહી કહીને વાતને ટાળી દેવામાં આવી હતી.

જોકે આ અંગે કાઉન્સિલરનું કહેવું હતું કે મેટ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જ ભાગ છે તો હિસાબ મળવો જોઈએ. તેમજ આ કાઉન્સીલરોના ગ્રાન્ટનો હિસાબ છે તો કાઉન્સિલરોને મળવો જોઈએ. કાઉન્સિલરોની રજૂઆત હતી કે અમારી પાસે હિસાબ માંગે છે અમને બજેટ અંગે હિસાબ આપો.

જોકે આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ કહ્યું કે, કોઈ ઉગ્ર બોલ ચાલ થઈ નથી. વેન્ટિલેટર અંગે હિસાબ આપવામાં ન આવ્યો હોવાની કોઈ વાત નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 250 વેન્ટિલેટર ખરીદ્યા છે, 5 લાખ દરેક કોર્પોરેટરના બજેટમાંથી 5 લાખ લીધા છે .બધાનું ફંડ કમિશનરના ત્યાં ગયા બાદ વેન્ટિલેટર ખરીદી થઈ છે. તેમજ વેન્ટિલેટર ખરીદવાની કામગીરી મેટમાં થાય છે

(8:01 pm IST)