Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

બોરસદ તાલુકાના વાસણા ગામે દીકરી પર જાતીય અત્યાચાર ગુજારી જીવતી સળગાવવાની ધમકી આપનાર નરાધમ પિતાને અદાલતે 10 વર્ષની સખત કેદની સુનવણી કરી

આણંદ: જિલ્લાના બોરસદ તાલુકાના વાસણા ગામે એક નરાધમ પિતાએ પોતાની પુત્રી ઉપર જાતિય અત્યાચાર ગુજારી જીવતી સળગાવી દેવાની ધમકી આપવાના ગુનામાં આણંદની કોર્ટે પિતાને તકસીરવાન ઠેરવીને ૧૦ વર્ષની સખત કેદની સજાનો આદેશ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

વધુમાં મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના જાંબુઆનો વતની અને બોરસદ તાલુકાના વાસણા ગામે આવેલ વણકરવાસમાં રહેતા વિજયભાઈ પ્રેમચંદભાઈ સોલંકીને પત્ની સાથે અવાર-નવાર ઝઘડા થતા પત્ની રીસાઈને ઘર છોડી ગઈ હતી. દરમ્યાન વાસનાના વમળમાં અંધ બનેલ વિજયભાઈ સોલંકીએ ગત તા.૧૩-૭-૨૦૧૮ના રોજ બપોરના સુમારે પોતાની જ ૧૯ વર્ષીય પુત્રીને રૂમમાં ખેંચી જઈ તેણીની મરજી વિરૂધ્ધ જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. સાથે સાથે જો આ વાત કોઈને કહીશ તો જીવતી સળગાવી દઈશ તેવી ધમકી પણ આપી હતી. આ અંગે બોરસદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વિજયભાઈ સોલંકીની ધરપકડ કરી હતી અને તપાસ પૂર્ણ કર્યા બાદ ચાર્જશીટ ફાઈલ કરી હતી.

આ કેસ આણંદના ચોથા એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે ઉપસ્થિત સરકારી વકીલે આ ઘટનાને સમાજ માટે કલંકિત ઘટના ગણી સમાજમાં દાખલો બેસે તેવી અપીલ સાથે પુરાવાઓ અને સાક્ષીઓ રજૂ કરતા ૧૩ જેટલા સાક્ષીઓ અને ૨૯ દસ્તાવેજી પુરાવા તપાસ્યા બાદ ન્યાયાધીશે આરોપી વિજયભાઈ પ્રેમચંદભાઈ સોલંકીને તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂા.૪ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. સાથે સાથે જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો પણ હુકમ કરાયો હતો.

(5:46 pm IST)