Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

માણસા તાલુકાના આજોલ ગામે દુકાનનું શટરનું તાળું તોડી અજાણ્યા શખ્સો વિસ હજારના બે કેમેરા સહીત અન્ય સામગ્રી લઇ છૂમંતર.....

માણસા: માણસા પાસેના આજોલ ગામમાં ચાર રસ્તા પાસે આવેલ એક દુકાનના શટરનું તાળું તોડી અજાણ્યા ચોર ઇસમોએ દુકાનમાં મુકેલ એક લાખ વીસ હજારના બે કેમેરા અને એસેસરીઝની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જે બાબતની જાણ દુકાન માલિકને વહેલી સવારે થતાં તેમણે ચોરી કરનાર શખ્સની શોધખોળ બાદ માણસા પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ચોર ઇસમોને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના આજોલ ગામે રહેતા અને ચાર રસ્તા નજીક સાઇનાથ સ્ટુડિયો તેમજ ટ્રેડિંગનો વ્યવસાય કરતાં હર્ષદભાઇ ચાવડા ગઇકાલે સાંજે નિત્યક્રમ મુજબ તેમના સ્ટુડિયો પરથી ઘરે આવ્યા હતા ત્યાર બાદ રાત્રીના સમયે તેમના આ સ્ટુડિયો પર અજાણ્યા ચોર ઇસમો ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા અને આ દુકાનના શટરનું તાળું તોડી અંદરના દરવાજાનું તાળું તોડી દુકાનમાં હર્ષદભાઇએ મુકેલા ૮૫ હજાર અને ૩૫ હજારની કિંમતના નિકોલ કંપનીના બે ફોટો કેમેરા અને કેમેરાની એસેસરીઝની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. જે બાબતની દુકાન માલિકને વહેલી સવારે ખબર પડતાં તેમણે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા વહેલી સવારે સવા ત્રણ વાગે એક ચોર દુકાનમાં પ્રવેશ કરે છે અને કેમેરા અને એસેસરીની ચોરી કરી બહાર નીકળી જાય છે અને તેનો બીજો સાથીદાર તે સમયે દુકાનની બહાર ઉભો રહેલો દેખાઇ આવે છે. જેથી ફુટેજના આધારે દુકાન માલિકે દુકાનની આજુબાજુના વિસ્તારોમાં અને ખેતરોમાં ચોરી કરનાર ઇસમોને શોધવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો કોઇ પત્તો ન લાગતા આખરે હર્ષદભાઇએ પોલીસને ચોરી બાબતની જાણ કરતાં પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(5:39 pm IST)