Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

પાલનપુરના શહેરી વિસ્તારમાં આવાસ યોજનાની સહાય લીધા બાદ મકાનનું કામકાજ ચાલુ ન કરનાર વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી

પાલનપુર: શહેરી વિસ્તારમાં ત્રણ લાખથી ઓછી આવક ધરાવતા હોય તેવા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનવવા તેમજ મકાનનું રીનોવેશન કરવા માટે રૃ.૩ લાખની સહાય આપવામાં આવી રહી છે. જેમાં પાલનપુરમાં કેટલાક લોકોએ આવાસ યોજનાની સહાય લીધા બાદ પણ મકાનનું કામ ચાલુ કરવામાં ન આવતા નગર પાલિકા દ્વારા ૮૦ ટકા લાભાર્થીઓને નોટીસ આપી મકાનનું કામ ચાલુ કરવા જણાવાયુ છે.જોકે મકાન સહાયમાં કેટલાક સુખી સંપન્ન લોકોએ પણ  સહાય મેળવવા માટે ૩ લાખથી ઓછી આવકના દાખલા રજૂ કરી સહાય મેળવવા માટે ફોર્મ રજૂ કર્યા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં શહેરી વિસ્તારમાં વાષક ત્રણ લાખથી ઓછી આવક ધરાવતા અને રહેવા લાયક ઘર ન હોય તેવા પરિવારોને સરકાર દ્વારા નગર પાલિકાના માધ્યમથી અંદાજીત ૩ લાખની સહાય આપવામાં આવી રહી છે. જેથી પાલનપુર નગરપાલિકામાં અત્યાર સુધીમાં ૪ યાદીમાં ૨૦૦૦ ઉપરાંતનાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાયના પ્રથમ ૩૦ હજારના હપ્તા ચુકવી દેવામાં આવ્યા છે. તેમ છતાં ૮૦ ટકા લાભાર્થીઓએ મકાન બનાવવાની જગ્યાએ સહાયના નાણાં પોતાના ઉપયોગમાં વાપરી દિધા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છેજેમાં પાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજનાની ટીમ દ્વારા લભાર્થી ઓની તપાસ કરવામાં આવતા ૮૦ ટકા લાભાર્થી ઓએ સહાય નો પ્રથમ હપ્તો મેળવ્યા બાદ મકાનનું કામ ચાલુ ન કર્યું  હોય આવા લાભાર્થીઓને મકાનનું કામ ચાલુ કરવા નોટીસો આપી ત્રણ દિવસમાં ખુલાસો કરવા જણાવાયુ છે. અને જો મકાનનું કામ ચાલુ ન કરવુ હોય તો સહાયની રકમ પાલિકામાં જમા કરાવી જવી અન્યથા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે તાકીદ કરાઈ છે. ત્યારે પાલિકા દ્વારા પણ માત્ર આવકના દાખલાના આધારે મકાન સહાયની પ્રક્રિયા હાથ ધરાતાં જરૃરિયાતમંદ લાભાર્થીઓને લાભ મળ્યો નથી અને સરકારની યોજનાનો હેતુ માર્યો ગયો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

(5:38 pm IST)