Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

મોડાસાના માલપુર રોડ નજીક પુરપાટ ઝડપે જતા કાર ચાલકે વીજપોલને ટક્કર મારી પોલ તોડી પાડતા અંધારપટ સાથે ભયનો માહોલ સર્જાયો

મોડાસા:નગરના માલપુર રોડ ઉપર બેફામપણે પુરઝડપે હંકારાતી એક કારના ચાલકે માર્ગ સાઈડના વીજપોલને ટક્કર મારી આખો વીજપોલ તોડી પાડયો હતો.પરીણામે વિસ્તારમાં અંધારપટ સાથે ભયનો માહોલ સર્જાયો હતો.

વોકીંગમાં જતા અને અન્ય રાહદારીઓની સદનસીબે જાનહાની ટળી હતી. જયારે મોડાસા-કોલીખડ માર્ગે કાર,બાઈક પુરઝડપે હંકારી સ્ટંટ કરતા ૮ જણાની બાઈકર્સ ગેંગ પોલીસે ઝડપી પાડી હતી. પરંતુ વીજપોલ તોડી પાડનાર કાર ચાલક ઝડપવામાં પોલીસને સફળતા મળી ન હતી.

ટાઉન પોલીસની નિષ્ક્રીયતા વચ્ચે નગરના માલપુર રોડ,મેઘરજ રોડ ઉપર ઘોંઘાટીયા બાઈક,દિલ્હીછાપ સાયલેન્સ લગાડેલા બુલેટ અને રસ્તા વચ્ચે ફટાફટ અવાજ કરતા અને અન્ય વાહન ચાલક માટે જોખમી એવા ફટાકડીયા સાયલેન્સરવાળા બાઈકોનો ત્રાસ વધતો જાય છે. જોકે ડીવાયએસપી ભરત બસીયા એ બાઈકર્સ ગેંગનો ત્રાસ હળવો કરવા બે દિવસની ડ્રાઈવ યોજી ૭ બાઈક ડીટેઈન કરતાં હાલ પૂરતી આ ગેંગ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. ત્યારે મંગળવારની રાત્રે માલપુર રોડ ઉપર પુરઝડપે બેફામપણે હંકારાતી એક કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ  ગુમાવી ફુટપાથ પાસેના વીજ પોલને ટક્કર મારી ધરાશાઈ કરી દીધો હતો.આ અકસ્માતથી વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.

(5:37 pm IST)