Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

મોડાસા તાલુકાના ખંભીસર ગામે યુવાનને જાતિ વિરુદ્ધ અપમાનિત કરી માર મારનાર ચાર શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

મોડાસા:તાલુકાના ખંભીસર ગામે કરીયાણાની દુકાને તેલ ખરીદવા ગયેલા એક દલીત યુવકને જાતી પ્રત્યે અપમાનીત કરી ચાર શખ્સોએ ભેગા મળી માર મારતાં ચકચાર મચી હતી. આ યુવકને લાત,મૂક્કા વડે ઢોર માર મરાતા સ્થળ ઉપર જ ઉલટી થઈ જતાં તાબડતોડ આ યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો.અને આ પ્રકરણે ચારેય હુમલાખોરો વિરૂધ્ધ વ્યથા પહોંચાડવા,ઢોર માર મારવા સહિતના ગુનામાં ઈન્ડીયન પીનલ કોડ તેમજ એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનાની વધુ તપાસ જિલ્લા એસસીએસટી સેલના ડીવાયએસપીને સોંપાઈ હતી.

 દલીત યુવકના વરઘોડા પ્રકરણથી ચર્ચામાં આવેલ ખંભીસર ગામે એક દલીત યુવકને માર મરાતાં ફરી એકવાર ચર્ચાઓ ઉઠી હતી. ગામમાં રહેતા અને છુટક મજૂરી કરતો એક ૨૪ વર્ષિય યુવક ઠાકોરવાસમાં આવેલા એક કરીયાણાની દુકાને તેલ ખરીદવા ગયો હતો. આ દુકાનની બાજુમાં ગામના જ એક શખ્શ દારૂ ની પોટલી પીતા હતા. આ યુવકને જોઈ આ અભુસિંહ  નામના શખ્શ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળ બોલી તમે સાલા...અહી શું લેવા આવ્યો છે ? તમારે કંઈ લેવા અહી આવવું નહી કહી જેમ ફાવે તેમ જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલવા માંડયા હતા.

દરમ્યાન આ ઈસમનો પુત્ર અલ્પેશ પૂજારા પાછળથી આવી જતાં તેને આ દલીત યુવક રાજેશને પાછળથી પકડી લેતા અભેસિંહ પૂજારા એ આ યુવકને તમાચો ઝીંકી દીધો હતો અને મારવા ફરી વળ્યા હતા. એટલીવારમાં જીતેન્દ્રસિંહ અને વદનસિંહ નામના બે ઈસમો પણ આ સ્થળે આવી પહોંચ્યા હતા અને આ દલીત યુવકને મૂક્કા અને લાતોનો માર માર્યો હતો.પોતાના ભાઈને માર મરાતો જોઈ મનીષા ફળીયામાં દોડી ગઈ હતી અને રાજેશને માર મરાતો હોવાનું જણાવતાં આ યુવકના અન્ય સગાસંબંધી અને પડોશી દોડી આવતાં હુમલો કરનાર ચારેય શખ્શો ભાગી ગયા હતા. ઢોર મારથી આ દલીત યુવક રાજેશ રાઠોડ ને ઉલટી થતાં તેના પરિવારજનોએ મેઢાસણ ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે પહોંચાડયો હતો.

(5:37 pm IST)