Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

તલોદ તાલુકાના હરસોલ નજીક એક સાથે 3 ફેકટરીમાં ત્રાટકી તરખાટ મચાવનાર તસ્કરોએ 43 હજારની લૂંટ ચલાવી

અમદાવાદ:મોડાસા રાજ્ય ધોરીમાર્ગ ઉપરના તલોદ તાલુકાના હરસોલ નજીક આવેલા બદામકંપા પંથકની એક જ સાથે ૩ ફેકટરીમાં ગતરાત્રીએ ત્રાટકેલા તસ્કરોએ તરખાટ મચાવીને ધાડની ઘટનાને અંજામ આપીને અંદાજીત રૂ. ૪૩ હજારની રોકડ રકમની લૂંટ ચલાવી હતી.

તલોદ તાલુકાના બદામકંપા પંથકમા આવેલા જલારામ ઇન્ડસ્ટ્રીઝમાં ગતરોજ રાત્રે મધ્યરાત્રી બાદ ત્રાટકેલા ધાડપાડુઓએ ઇન્ડ.ની ઓફીસનું તાળુ તોડીને ઓફિસમાં ઘૂસ્યા હતા. જ્યાં તેઓએ ત્યાં સૂતેલા એકાઉન્ટન્ટના ગળા ઉપર તિક્ષ્ણ હથિયાર મુકીને હિન્દી ભાષામાં ચૂપચાપ પડી રહેવા આદેશ કર્યો હતો. જેને સુવાડી દઈ તેના ખીસ્સામાંથી રૂ. ૩૦૦૦ કાઢી લીધા હતા. બાદ ઓફિસમાં રાખેલ તીજોરી કબાટ વગેરે ખોલી તોડીને આવેલ સાતેક ધાડપાડુ ઇસમોએ રૂ. ૪૧,૦૦૦ની રોકડ રકમ ઉઠાવી લીધી હતી. સાતેકની સંખ્યામાં ચડ્ડી-બનીયાન ધારી ટોળકીની જેમ ત્રાટક્યા હતા. ધાડપાડુએ નજીકની ઇશ્વર પ્લાય એન્ડ ડોર નામની કંપનીમાં પણ ઘૂસ મારી હતી. અને બધી વસ્તુઓની તોડફોડ કરી હતી. આ ઇસમોએ પંથકના જે.જે.કોલેડ સ્ટોરેજમાં પણ ઘુસ મારીને હજારોની મતા લૂંટવાની કોશિષ કરી હતી.

હરસોલ નજીકના બદામકંપા પંથકની આ ફેકટરીના પાછળના ભાગેથી ઘૂસેલા આ ધાડપાડુ ઇસમોએ એક બારીની ગ્રીલ તોડી સ્લાઇડર વીન્ડો ખોલી નાંખીને અંદર ઘૂસીને ધાડ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. એક ફેકટરીના એકાઉન્ટ જીજ્ઞોશ પટેલને ચૂપચાપ પડી રહેવા અને નહી તો જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપીને સુવાડી દઇને ધાડની ઘટનાને ક્રમશઃ અંજામ આપ્યો હતો. ધાડની ઘટના તીસરી આંખ જેવી સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. પંથકના ઔદ્યોગિક એકમોમાં એક સાથે બનેલ ૩ આવી ધાડની ઘટનાને કારણે ચકચાર મચી જવા પામી છે.  પોલીસ પેટ્રોલીંગ યોગ્ય અને અસરકારક રીતે હવે નહીં કરે તોઆવી લૂંટફાટ અને ચોરીઓની ઘટનાઓનું પુનરાવર્તન થતું જ રહેશે તેમ ઉદ્યોગપતિ પરિવારોથી માંડીને સામાન્ય પ્રજાજન પણ કહી રહ્યું છે.ગતરોજ મધ્યરાત્રી બાદ ૧થી ૨ વાગ્યાના અરસામાં બનેલી આ ત્રણ ત્રણ ધાડની ઘટના અંગે હરસોલ આઉટપોસ્ટના જમાદારને પૂછતાં આજે બપોરે ૩ વાગ્યા સુધી તેમની પાસે વિગતો નહી હોવાનું દોહરાવ્યું હતું.

(5:36 pm IST)