Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

પોલીસે ગ્રાહક બની ઓપરેશન પાર પાડયું : અમદાવાદના ખાનપુર દરવાજા પાસે કારનું એસી રીપેરીંગ કરનાર શખ્સ પાસેથી એસઓજીએ એમડી ડ્રગ્સના ૭ લાખના મુદ્દામાલ સાથે ૨ શખ્સોને ઝડપી પાડયા: અષાઢી બીજની ભગવાન જગન્નાથની રથયાત્રા નજીક છે તેવામાં એસઓજીએ ખાનગીમાં લાંબા સમયથી એમડી વેચાણ કરનાર બે શખ્સને ઝડપી લઈને ગુનો દાખલ કર્યો

અમદાવાદ: શહેરના ખાનપુર દરવાજા પાસે કારનું એસી રીપેરીંગ કરનાર શખ્સ પાસે એસઓજીના કર્મચારી પહોંચ્યા અને એમડીની પડીકી માંગી હતી. આ શખ્સે પહેલા જણાવ્યું કે આવું, કંઈ નથી. બાદમાં અધિકારીને તેને પડીકી આપતા એસઓજીએ તેને 7 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. રથયાત્રા નજીક છે તેવામાં એસઓજીએ ખાનગીમાં લાંબા સમયથી એમડી વેચાણ કરનાર બે શખ્સને ઝડપી ગુનો નોંધ્યો હતો.

એસઓજીના ડીવાયએસપી બી સી સોલંકીએ જણાવ્યું હતું કે, SOG ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ ડી પરમાર તેમજ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ રાણા સહિત રથયાત્રાના પગલે પેટ્રોલિંગમાં હતી. આ સમયે સાબરમતી રીવરફ્રન્ટ સુભાષબ્રીજથી જમાલપુરબ્રીજ તરફ જતા ખાનપુર દરવાજાના પાછળના ભાગે ફુટપાથ પાસે આરોપીઓ એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી. બાતમી આધારે એસઓજીએ ખાનપુર દરવાજાના પાછળના ભાગે આરોપી ઇરફાન ઉર્ફે બબલુ ગુલાબખાન પઠાણ તથા ઇરફાન સાબીરહુશેન ફકીરની નશીલા માદક પદાર્થ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 7 લાખની કિંમતનો 69 ગ્રામ 690 મીલીગ્રામ મેથાએમ્ફેટામાઇનનો જથ્થો કબ્જે કર્યો છે.

એસઓજીને બાતમી મળતા તેમને પહેલા એમડીના બંધારણી પાસે ખરીદી કરવી હતી બાદમાં પોલીસ પણ ગ્રાહક બની ગઈ અને ઓપરેશન પાર પાડયું હતું. આ મામલે SOG ક્રાઇમ બ્રાન્ચે બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ માદક પદાર્થનો જથ્થો ક્યાંથી અને કોણે પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

કોરોનાના કારણે ધંધામાં મંદી આવી જતા ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો

આરોપી કારમાં એસી રીપેરીંગ કરનાર કારીગર હતો જોકે કોરોનાના કારણે લોકડાઉન સહિત સમય મર્યાદાના કારણે વેપારમાં મંદી આવી ગઈ હતી અને જેના કારણે ઘર ચલાવવામાં સમસ્યા સર્જાતી હતી. જેથી એમડી ડ્રગ્સના ધંધામાં સારી કમાણી હોવાનું ધ્યાને આવતા આ વેપાર શરૂ કર્યો હોવાની કબૂલાત આરોપીએ કરી છે.

(4:56 pm IST)