Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

વડોદરા પોલીસની ગુંડાગીરીઃ ફેરીયાએ મફતમાં ડુંગળી ન આપતા રોડ ઉપર સુવડાવીને માર માર્યો અને માસ્‍ક ન પહેરવા મામલે તથા કામગીરીમાં રૂકાવટનો ગુન્‍હો દાખલ કર્યો

વડોદરા: વડોદરા પોલીસની ગુંડાગીરી સામે આવી છે. મફતમાં ડુંગળી ન આપનાર ફેરિયાને એક પોલીસ કર્મચારીએ ફટકાર્યો હતો. શાકભાજી વેચતા પથારાવાળાને પોલીસે રોડ પર સૂવડાવીને માર માર્યો હતો. ફેરિયાએ મફતમાં ડુંગળી ન આપતા પોલીસ કર્મચારી દબંગાઈ પર ઉતરી આવ્યા હતા. તેમજ ઉલટા ચોર કોટવાલ કો ડાંટે તેમ ફેરિયાવાળા સામે માસ્ક ન પહેરવાના મામલે અને પોલીસની સામે કામગીરીમાં રુકાચવટનો ગુનો નોંધાયો હતો.

મૂળ ઉત્તરપ્રદેશનો ગણેશ સોનકર સમા વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીના ફૂટપાથ પર ડુંગળી, બટાકા અને મગફળીનો પથારો ચલાવે છે. ગઈકાલે તેની પાસે આવેલા બે કર્મચારીઓએ 1 કિલો મગફળી મફતમાં લીધી હતી અને રૂપિયા આપ્યા વગર જતા રહ્યા હતા. બીજા દિવસે બંને પોલીસ કર્મચારીઓ પરત આવ્યા હતા અને 20 કિલો ડુંગળી માંગી હતી. આટલી વધુ ડુંગળી મફતમાં આપવી પોસાય તેમ ન હતી, તેથી ફેરિયાએ એ આપવાની ના પાડી હતી.

ના પાડતા જ પોલીસ કર્મચારીઓ રોષે ભરાયા હતા. તેઓએ ફેરિયાને માર માર્યો હતો. બંને પોલીસ કર્મચારીઓએ વર્દીનો ખોટો ઉપયોગ કરીને ફેરિયાની સામે જ ફરિયાદ કરી હતી. બનાવ બાદ પોલીસ તેને સમા પોલીસ મથક ખાતે લઇ આવી હતી. જ્યાં તેની ફરિયાદ લેવાની જગ્યાએ પોલીસે માસ્ક નહી પહેર્યું હોવાનું અને પોલીસની કામગીરીમાં અડચણ રૂપ થયો હોવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે સવાલ એ છે કે, ખાખી વર્દી પહેરનારાઓને આવી રીતે પાવર બતાવવાનો અધિકાર કોણે આપ્યો. મફતમાં વસ્તુઓ નીકળવા લેવા પોલીસ કર્મચારીઓને પોલીસ તંત્ર દ્વારા કેમ સાચવવામાં આવે છે. ગરીબોને હેરાન કરતા આવા પોલીસ કર્મચારીઓ પર કેમ પોલીસ વિભાગ એક્શન લેતુ નથી.

(4:55 pm IST)