Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

સોમવારે વડોદરામાં નીકળનાર અષાઢી બીજની રથયાત્રા માટે તૈયારીને આખરી ઓપઃ ઇસ્‍કોન મંદિરમાં મંજૂરી મળવાની અનિશ્તિતા વચ્‍ચે 12 હજાર ભાવિકો માટે જમણવાર અને પ્રસાદની તૈયારી

વડોદરા: વડોદરામા ભગવાન જગન્નાથની 39મી રથયાત્રાની ઇસ્કોન મંદિર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. પોલીસ તંત્રએ હજી સુધી વડોદરામાં રથયાત્રાની મંજૂરી નથી આપી તેમ છતાં ઇસ્કોન મંદિર તંત્રએ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વડોદરામાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ધૂમધામથી રથયાત્રા નીકળે છે. 12 જુલાઈએ અષાઢી બીજ છે, તેવામાં ઇસ્કોન મંદિર દ્વારા 39મી રથયાત્રાની તૈયારી કરાઈ રહી છે. ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથને રંગરોગાન અને સજાવટ કરવામા આવી રહી છે. મંજુરી મળવાની અનિશ્ચિતતા વચ્ચે 12 હજાર ભક્તોના જમણવાર અને પ્રસાદની પણ તૈયારીઓ કરવામા આવી રહી છે.

ભગવાન બિરાજમાન થાય છે તે રથની કલાકૃતિઓમાં રંગપુરીને તેને આખરી ઓપ અપાઈ ચુક્યો છે. તેમજ રથયાત્રાના દિવસે 12 હજાર ભક્તો માટે મંદિર તરફથી પુરી-શાક, જલેબી, બુંદીના લાડુ અને ઉપમાના જમણ સાથે પ્રસાદ બનાવવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે મંદિર પરીસરમાં જ રથ ફેરવીને પ્રથાને પુરી કરાઈ હતી. પરંતું આ વર્ષે જો અમદાવાદની રથયાત્રાને પરવાનગી અપાય તો વડોદરાની રથયાત્રાને પણ મંજૂરી અપાય તેવી માંગ કરાઈ છે.

ઇસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીએ સરકાર અને પોલીસ તંત્ર પાસેથી રથયાત્રા કાઢવા માટે મંજૂરી માંગી છે, સાથે જ સરકારની ગાઈડલાઈનનુ પાલન કરવાની વાત પણ કરી છે. રથયાત્રાની મંજુરી મળશે તો 1 હજાર કિલો શીરો, જાંબુ, ફણગાવેલા મગ, જલેબી, બુંદીના લાડુ, હલવો અને ઉપમા સહિતના પ્રસાદનુ આયોજન કરાયું છે.

(4:53 pm IST)