Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

આલેલે...:ગાંધીનગરમાં ભેંસો દારૂનાં નશામાં ઝૂમવા લાગતા માલિકની ખૂલી પોલ

 

ગાંધીનગર, તા. ૮ : તમે નશામાં ઝૂમતા લોકો જોયા હશે પરંતુ શું નશામાં ઝૂમતી ભેંસો કોઇ દિવસ જોઇ છે? ગાંધીનગરનાં ચીલોડામાં ભેંસો દારૂનાં નશામાં ચૂર હોવાનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ભેંસનાં નશામાં હોવાની ખબર સામે આવતા પોલીસે માલિક સામે ગુનો નોંધ્યો છે અને તેની પાસેથી દારૂની બોટલો પણ મળી આવી છે.

ભેંસોએ હવાડામાં પાણી પીધા પછી લથડિયાં ખાવાને પગલે ગમાણના માલિકે પાણીના હવાડામાં સંતાડેલી દારૂની બોટલનું પગેરું મળ્યું હતું. પોલીસે ગમાણની સઘન તપાસ કરતાં હવાડામાં અને ઘાસચારાની નીચે છૂપાવેલી દારૂની ૧૦૧ બોટલ જપ્ત કરી હતી. આ ગમાણના માલિક દિનેશ ઠાકોર, અંબારામ ઠાકોર અને રવિ ઠાકોર વિરૂદ્ધ નશાબંધી કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ અંગે પોલીસને બાતમી મળી હતી. બાતમી પ્રમાણે, ચિલોડા પંચવટી વાસમાં રહેતો દીનેશ જવાનજી ઠાકોર તેના ઘરે ભેંસો બાંધવાના ઢાળીયામાં દારૂ - બિયરનો જથ્થો સંતાડીને તેનું વેચાણ કરે છે. જે બાદ પોલીસ ટીમે દરોડો પાડયો હતો. જ્યાં દીનેશ જવાનજી ઠાકોર પોલીસને મળી આવ્યો હતો. પોલીસે ગમાણમાં તપાસ કરતાં સુકા ઘાસની નીચે દારૂ અને બિયરની અલગ અલગ ૧૦૧ બોટલ મળી આવી હતી.

(3:22 pm IST)