Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

રાજકોટના જ્વેલર્સના ૨.૩૫ કરોડના દાગીના લૂંટનો ભેદ ઉકલાયો

વડોદરા નજીક થયેલ લૂંટમાં અમદાવાદ છારા નગરના આંતર રાજ્ય કુખ્યાત અમિત અભબેકરને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટીમે મુદ્દામાલ સાથે ઝડપી લીધો : કુલ છ શખ્સો દ્વારા કરોડોની લૂટ કરવા માસ્ટર પ્લાન ઘડી તેનો અમલ કરેલ. આરોપીને વડોદરા પોલીસ હવાલે કરવા તજવીજ ,રથ યાત્રા સમયે હથિયારો શોધવા ચાલતી ઝુંબેશમાં સફળતા : બરોડાની કુખ્યાત મનોજ સિંધી ગેંગનો પ્લાન હોવાનું ખૂલ્યું: 'અકિલા' સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વડા પ્રેમ વીર સિંહની વાતચીત : અમિત અગાઉ અમદાવાદ-મુંબઇમાં ડેકી તોડી ચોરી કરવાના ૭ ગુનામાં પકડાયો હતોઃ દોઢ મહિના પહેલા જ પાસામાંથી છુટ્યો છે : સાધુ વાસવાણી રોડ પર રહેતાં વિપુલભાઇ ધકાણ દાગીના વેંચવા ગયા ત્યારે ૧૮/૬ના સવારે વડોદરા છાણી જકાત નાકે ગાંઠીયા ખાવા ઉભા રહ્યા ત્યારે કારની ડેકીમાંથી દાગીનાના બે બેગ લઇ બે બાઇકસ્વાર ભાગી ગયા'તા : ઇનોવા કાર, એકસેસ અને બાઇક લઇને છ જણા અમદાવાદથી ચોરી કરવા વડોદરા ગયા'તાઃ ચોરીનો બાકીનો મુદ્દામાલ કબ્જે કરવા અને અમિતના પાંચ સાગ્રીતોને શોધવા તજવીજ : અમુક દાગીના વેંચ્યા બાદ બચેલા દાગીના લઇ રાજકોટ આવતી વખતે ગાઠીયા ખાવા ઉભા રહ્યા ત્યારે ચોરી થઇ ગઇ હતી : અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે. એન. ચાવડા, પીએસઆઇ એ. પી. જેબલીયા, એસ. પી. ગોહિલ અને ટીમે ડિટેકશન કર્યુઃ વડોદરા પોલીસને આરોપી સોંપાયો

રાજકોટ તા.૮, રાજકોટથી વડોદરા અને આણંદ ખાતે દાગીના વેચવા માટે ગયેલ રાજકોટની જાણીતા જ્વેલર્સ  વી.રસિકલાલ નામની પેઢીના સંચાલક સહિત ૩ વ્યકિતઓને શિફત પૂર્વક લુંટી ૨.૩૫ કરોડના દાગીના લુંટના ચકચારી મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક કુખ્યાત શખ્સને ઝડપી તેની પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં સફળતા સાંપડી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા પ્રેમવીર સિહ તથા ડીસીપી ચૈતન્ય મંડલિકની રાહબરી હેઠળ પીઆઇ જે.એન.ચાવડા,પીએસઆઈ એપ. જેબલિયા તથા પીએસઆઈ એસપી ગોહિલ ટીમ દ્વારા ચોક્ક્સ બાતમી આધારે કુખ્યાત અમિત રાકેશ અભેવકરને ઝડપી લીધો છે. આરોપી પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનાના દાગીનાઓ મગમાળા-૦૩, ડોકીયા-૦૪, ટોપ બુટ્ટી-૧૨ જોડી, લટકણ બુટ્ટી-૨૮ જોડી, પેંડલ નંગ-૪૦, કાનની કડીઓ જોડી-૧૩, વીટી નંગ-૫૧ બ્રેસલેટ નંગ-૩ જેવા કુધે- ૫૨૦ ગ્રામ ૧૯૦ મિલી ગ્રામ વજનના દાગીનાઓ જે કુલ કિ.રૂ.૨૬,૦૧,૩૦૦/-ના મુદ્દામાલ સાથે મળી આવતાં, જે મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની પુછપરછ દરમ્યાન પોતે તથા પોતાના સાગરીતો મનોજ કનૈયાલાલ સિંધી તથા ઉતમ આત્મારામ છારા તથા વિશાલ વિક્રમ તમંચે તથા બોબી બળવંત રાઠોડ તથા સતન્ની સુરેદ્ર તમંચે રહે-તમામ કુબેરનગર એ રીતેના ૬ જણાએ મળી ગઈ તા- ૧૮/૦૬/૨૧ ના રોજ વડોદરા ખાતે મનોજ સિંધીની એક ઈનોવા કાર તથા એક એકસેસ તથા એક બાઈક લઈને ગયેલ. જ્યાં છાણી જકાતનાકા ખાતે આવેલ એક કોમ્પલેક્ષ સામે પડેલ હોન્ડા એમેઝ કારનો ડ્રાઈવર સાઈડનો આગળનો કાચ તોડી કારની પાછળની ડેકીનુ બટન દબાવી, ડેકી ખોલી, ડેકીમાં પડેલ સોનાના દાગીનાઓ ભરેલ થેલાની ચોરી કરી, તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયેલ હોવાની કબુલાત કરી હતી.

 જે આધારે તપાસ કરતાં રાજકોટના વી.રસીકલાલ નામે સોનાના દાગીનાનો ટ્રેડોંગનો ધંધો કરતાં વેપારી ધંધા અર્થે વડોદરા ગયેલ. તેઓની કારમાંથી રૂ.૨,૩૫,૦૦૦૦૦/-(બે કરોડ પાંત્રીસ લાખ)ના સોનાના દાગીનાઓની ચોરીનો બનાવ બનેલ હોવાનું. તે અન્વયે વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનના ગુરનં-૧૧૧૯૬૦૧૨૨૧૦૭૦૪/૨૦૨૧ ઈપીકો કલમ-૩૭૯,૪૬૧,૪૨૭,૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ હોય. આરોપી તથા મુદ્દામાલ ફતેગંજ પો.સ્ટે.વડોદરા સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

 પકડાયેલ આરોપીની અન્ય ગુન્હામાં સંડોવણી અંગેની શક્યતા સહીતની આગળની વધુ પુછપરછ પો.ઈ.શ્રી જે.એન.ચાવડા તથા પો.સ.ઈશ્રી એસ.પી.ગોહિલ તથા પો.સ.ઈ. શ્રી એ.પી.જેબલીયાનાઓ કરી રહેલ છે.

 તેમ 'અકિલા' સાથેની વાતચીતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા પ્રેમવિર સિહ દ્વારા જણાવાયું છે. તેઓ દ્વારા વિશેષમાં આરોપી અમદાવાદના છારા નગર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતો હોવાનું અને ભૂત કાળમાં અનેક ગુન્હાઓમા સંડોવાયેલ હોવાનું જણાવવા સાથે પાસામાંથી થોડા સમય પહેલા મુકત આ આરોપી મુંબઈ મહારાષ્ટ્રના ગુંહાઓનો પણ આરોપી હોવાનું ખુલવા બહાર આવ્યું છે.  (૪૦.૮)

પ્રેમ વીરસિહ

ક્રાઇમ બ્રાન્ચ વડા અમદાવાદ

(3:21 pm IST)