Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ગુજરાતમાં જાતિગત રાજનીતિનું વર્ચસ્વ એ લોકશાહી માટે સારા સંકેત નથી : હાર્દિક પટેલ

લોકોનું કાર્ય શકય તેટલું રસપ્રદ બનાવો : જાતિ, સમુદાય, સમાજના ભેદભાવ વગર લોકો સંગઠિત થાય તે જરૂરી : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષની અપીલ

રાજકોટ તા. ૮ : 'ગુજરાતમાં જાતિગત રાજનીતિનું વર્ચસ્વએ લોકશાહી માટે સારા સંકેત નથી' તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યંુ છે કે, જાતિવાદનું રાજકારણ એ ગુજરાત સહિત ભારતના દરેક રાજ્યની વાસ્તવિકતા છે. આનાથી કોઇ દુર ભાગી શકે તેમ નથી પરંતુ જો તેમા વધુ સંકળાય તો તેમાં વ્યકિતનું કોઇ મહત્વ રહેતુ નથી. જે લોકો અને લોકશાહી માટે સારા સંકેત નથી. ગુજરાતમાં જાતિ આધારિત રાજનીતિ ચરમસીમા ઉપર છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, જ્યારે ભાજપને લાગે છે કે કોઇ જાતિ કે સમાજ તેની સામે થાય છે ત્યારે અન્ય જાતિ અને સમાજને એકત્રિત કરીને તે સમાજ સામે બહિષ્કાર સહિતની કામગીરી કરાય છે. ગુજરાતમાં ભાજપ દ્વારા અનેક વિસ્તારોમાં પાટીદારો સામે અન્ય સમુદાયનો બહિષ્કાર કરાયો છે. જ્યારે ઠાકોર, કોળી અને ચૌધરી પટેલ સામે બહિષ્કારની કામગીરી કરીને ભાજપ ચૂંટણીમાં સફળતા પ્રાપ્ત કરી લે છે. ગુજરાતના ભાજપ સરકારના એક મોટા મંત્રીએ પોતાના વિભાગમાં દરેક પોસ્ટ ઉપર તેમના સમાજના લોકોને જ બેસાડી દીધા છે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, ચૂંટણીની ટીકીટનો આધાર યોગ્યતાના બદલે જાતિ આધારિત થઇ જાય છે. ગુજરાતમાં એવા મુખ્યમંત્રી હોવા જોઇએ જે કોઇ સમાજ - જાતિ અંગે ભેદભાવ ન રાખે અને બધાને સાથે રાખીને ચાલે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં પણ વડાપ્રધાને પણ જાતિ આધારીત સમીકરણોનો પ્રયાસ કર્યો છે.

હાર્દિક પટેલે અંતમાં જણાવ્યું કે, સારા લોકો જ રાજનીતિમાં રહેલી ગંદકી સાફ કરી શકે છે અને જનતાના મનમાં સરકાર પ્રત્યે વિશ્વાસ ઉભો કરી શકે છે પરંતુ ગુજરાતના યુવાનો અને લોકો ડરી રહ્યા છે કે ભાજપ સરકાર વિરૂધ્ધ બોલીશું તો ખોટા કેસમાં ફીટ કરી દેશે. મારે આ ડર દુર કરવો છે.

(3:20 pm IST)