Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કોરોનાની સ્થિતિ સામાન્ય થતા રાજકોટ સહિત ૪ મહાનગરોમાં RTO ટેસ્ટ ટ્રેકનો સમય સોમવારથી સવારે ૬ થી રાત્રે ૧૦ સુધી

રાજકોટ તા. ૮ : સુરત સહિત રાજયના ચાર મહાનગરોમાં આગામી સોમવારથી ટેસ્ટ ટ્રેકનો સમય સવારે ૬ થી રાત્રે ૧૦ સુધીનો રહેશે. દરેક આરટીઓમાં આ માટે બાકી રહી ગયેલી કામગીરી શનિવાર સુધી આટોપી લેવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજયના ચાર મહાનગરોમાં લાયસન્સ માટેના વેઇટિંગ પિરિયડ બે મહિના સુધી ચાલી રહ્યા છે. વાહનચાલકો એકવાર ટેસ્ટ ટ્રેકમાં નાપાસ થાય તેઓને જલ્દી તક પણ નથી મળી રહી. જેના કારણે તેઓના લર્નિંગ લાયસન્સની મર્યાદા પણ પુરી થઈ જાય છે. જેથી શહેરીજનો નિરાશ થઇ જાય છે.

આ માટેની ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી કરવામાં આવી હતી. જેથી અધિકારીઓ દ્વારા સમય બદલવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા બહાર પાડવામાં પરિપત્ર પ્રમાણે સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ પૂર્વ વિસ્તારના આરટીઓ ટેસ્ટ ટ્રેકનો સમય સવારે છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા સુધી માટેનો રાખવામાં આવ્યો છે. જે માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

પણ આરટીઓમાં હાલ ટેસ્ટ ટ્રેકમાં મેઇન્ટેનન્સ ની કામગીરી ચાલી રહી છે. જેને આગામી શનિવાર સુધી તૈયાર કરી નવા સમયનો અમલ શરૂ કરવામાં આવશે. જેમાં સવારે ૬થી પ્રવેશ પ્રક્રિયા જયારે રાત્રે નવ વાગ્યાના વીસ મિનિટ સુધી માં પ્રવેશ આપવામાં આવશે. આરટીઓના આ નવા સમયથી શહેરીજનોની સુવિધા મળવાની સાથે આરટીઓના ટેસ્ટ ટ્રેકનું લાંબુ વેઇટિંગ પણ ઓછું થશે તેવી શકયતા છે.

અત્યાર સુધી કોરોનાના કારણે આરટીઓની કામગીરી પર બ્રેક લાગી હતી. જેના લીધે શહેરીજનોનાં લાયસન્સ સહિતની કામગીરી ખોરંભે પડી હતી. ખાસ કરીને લર્નિંગ લાયસન્સના કામો પણ ભારે અટવાયા હતા. કચેરી શરૂ થયા બાદ આ ભારણ ખૂબ વધી ગયું હતું. પરંતુ હવે ટેસ્ટ ટ્રેકના સમયમાં સીધો જ ચાર થી પાંચ કલાકનો વધારો કરાતા આરટીઓની લાયસન્સની કામગીરીનું ભારણ ઓછું થશે. એટલું જ નહીં લાયસન્સ માટે શહેરીજનોને જે ધરમ ધક્કા ખાવા પડી રહ્યા હતા. તેમાં પણ હવે મોટી રાહત થશે.

(3:00 pm IST)