Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

શિક્ષણ ઓનલાઈન - ફી વસુલાત ઓફલાઈનનીઃ ૨૫ ટકા ફી માફીની મોટી વાતો પરંતુ પરિપત્ર ન થતા વાલીઓ પરેશાન

લાખો વાલીઓ અનિર્ણીત સ્થિતિમાં લાચારઃ ખાનગી શાળાઓના ફી ઉઘરાવવાના સતત પ્રયાસ - કયાંક ૩ માસ તો કયાંક ૬ માસની ફી લેવા યેનકેન પ્રકારે પ્રયાસો

રાજકોટ, તા. ૮ :. કોરોના મહામારીમાં છેલ્લા દોઢેક વર્ષથી શાળા કક્ષાએ ઓનલાઈન શિક્ષણ ચાલે છે છતાં કેટલીક ખાનગી શાળાઓ અગાઉની જેમ ઓફલાઈન કક્ષાની વિવિધ પ્રકારે ફી ઉઘરાવતા હોવાની વાલી વર્ગમાંથી ફરીયાદ ઉઠી છે.

ખાનગી શાળા સંચાલકોની મોટાભાગની માંગણીનો સ્વીકાર કરતી રાજ્ય સરકારે  ફી માફીની ટકોર તો કયાંક જાહેરાત કરવા છતાં ખાનગી શાળાઓ ઓનલાઈન શિક્ષણમાં પણ જાણે પ્રત્યક્ષ શિક્ષણ આપતી હોય તેમ વિવિધ પ્રકારની ફી ઉઘરાવતી રહી હોવાની રાવ વાલીઓએ કરી છે.

ખાનગી શાળાના સંચાલકો કોરોના મહામારીમાં વાલીવર્ગને રાહતને બદલે નવા પ્રકારે ફી ઉઘરાવી રહી છે.

કેટલીક ખાનગી શાળાઓના સંચાલકો ટયુશન ફીની સાથે અન્ય પ્રકારની પ્રવૃતિઓની ફી સામેલ કરીને ૨૫ ટકા ફીમાં રાહત આપે છે. આ પ્રકારના કીમીયાથી વાલીઓ રોષે ભરાયા છે. ખાનગી શાળાઓના સંચાલકોને તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ રજૂઆત કરવામાં આવી રહી છે છતાં કોઈ પગલા ન લેવાતા વાલીઓની હાલત દયનીય બની છે.

ફી નિર્ધારણ કરતી ફી રેગ્યુલેટરી કમિટી અને શિક્ષણ વિભાગ બન્ને એકબીજાને ફી પ્રશ્ને 'ખો' આપી રહ્યા છે. કોરોના મહામારીમાં લોકોની આર્થિક સ્થિતિ કથળી છે. લોકડાઉનમાં વેપારી વર્ગ પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે.

કોરોના મહામારીના કપરાકાળમાં રાજ્યમાં દોઢ વર્ષ જેટલા સમયથી શાળાઓ બંધ જેવી હાલતમાં જ્યારે ઓનલાઈન શિક્ષણ થકી અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. કોરોનાની અસર અનેક ધંધા-રોજગાર અને સેવાઓ પર થતા લોકોની આર્થિક સ્થિતિ કથળી છે. જેના કારણે લોકો શાળા-કોલેજમાં ૫૦ ટકા ફરી ઘટાડાની માંગ કરી રહ્યા છે. જ્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલ ફીમાં ૨૫ ટકા ઘટાડો કરવાની જાહેરાત શિક્ષણમંત્રીએ કરી છે. જો કે શિક્ષણમંત્રીની આ જાહેરાત માત્ર પૂરતી જ હોય તેવુ લાગી રહ્યુ છે કેમ કે ૨૫ ટકા ફી ઘટાડાનો અમલ થાય તે પહેલા તો અનેક સ્કૂલોએ પ્રથમ સત્રની ફી પણ ઉઘરાવી લીધી છે. આમ ખાનગી શાળાઓ ફરી મનમાની કરતી જોવા મળી છે.

જ્યારે કેટલીક સ્કૂલોએ પ્રથમ સત્રની તો કેટલીક સ્કૂલોએ ૩ મહિનાની ફી ઉઘરાવી છે. સ્કૂલોમાં વાલીઓ દ્વારા ફી માફી માટે કહેવામાં આવે ત્યારે તેમને પરિપત્ર આવ્યા બાદ ફી માફી માટે જણાવી દેવામાં આવે છે. શિક્ષણમંત્રી સ્કૂલ સંચાલકોને સાચવવામાં વાલીઓને ફી માફીનો આપેલો વાયદો ભૂલી ગયા છે, જેને કારણે ખાનગી સ્કૂલો બેફામ બની ફી ઉઘરાવી રહી છે.

(12:54 pm IST)