Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

પત્રકારત્વ એટલે સમાજ ઉત્થાનનું કાર્ય : વિજયભાઇ રૂપાણી

મુંબઈ સમાચારના ૨૦૦મા જન્મ દિવસની વધામણી અવસરે યોજાયો વેબીનાર : મુંબઇ સમાચારના રૂડા અવસરથી ગુજરાતી પત્રકારત્વમાં નવી ઉર્જાનો સંચાર : નિલેશ દવે : આ અવસર માત્ર મુંબઈ સમાચાર માટે નહીં, ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા તમામ માટે મોટો ઉત્સવ : કુંદન વ્યાસ : ગુજરાતી ભાષામાં ૧૯૨૬ અખબારો પ્રકાશિત થાય છે તેમાં ૧૦૮ દૈનિકો અને ૯૯૩ સાપ્તાહિકો છે. તળ ગુજરાતમાં ૧૮૮૫ અખબારો પ્રકાશિત થાય છે

(કેતન ખત્રી) અમદાવાદ તા. ૮ : ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિ દ્વારા પહેલી જુલાઈના રોજ યોજાયેલા વેબિનારમાં દેશ-વિદેશથી નામાંકિત તંત્રી અને પત્રકારો જોડાયા હતા. મુંબઈ સમાચારના સ્થાપક ફરદુનજી મર્ઝબાનનું પુણ્ય સ્મરણ કરીને હવેથી દર વર્ષે પહેલી જુલાઈને ગુજરાતી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું હતું.

આ અવસરે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો વીડિયો સંદેશ રજૂ કરાયો હતો. મુંબઈ સમાચારને ૨૦૦મા જન્મ દિવસની વધામણી આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતી પત્રકારત્વ ૨૦૦ મા વર્ષમાં પ્રવેશ કરે છે એ વિરલ ઘટના છે. સમગ્ર એશિયા ખંડમાં સતત બસો વર્ષથી પ્રકાશિત થતું હોય તેવું અખબાર મુંબઈ સમાચાર છે એ મોટી સિદ્ઘિના વાત છે.

તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતી પત્રકારત્વ ભવ્ય છે. અનેક તંત્રીઓ અને પત્રકારોએ ગુજરાતી પત્રકારત્વને સમૃદ્ઘ કર્યુ છે. પત્રકારત્વ સમાજના ઉત્થાનનું કામ પણ કરી શકે છે તેવું સાબિત પણ થયું છે. અખબારોને ચોથી જાગીર ગણાવીને  મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે અખબાર સમાજના દર્પણ તરીકે રોલ અદા કરે છે. તેમણે કરશનદાસ મૂળજી સહિત વિવિધ તંત્રીઓના સમાજ સુધારણાના પત્રકારત્વને પણ યાદ કર્યું હતું.

આ તકે તેમણે એવુ પણ કહ્યું હતું કે સનસનાટી જન્માવવાના પ્રયાસમાં અતિ નકારાત્મક થવાથી લોકો હકારાત્મકતા કે આશાવાદ ગુમાવીના બેસે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

એ પછી સમિતિના લોગોનું લોકાર્પણ કરાયું હતું. આ લોગોના સર્જક  જાણીતા ચિત્રકાર શ્રી કનુ પટેલે જ તેનું લોકાર્પણ કર્યુ હતું.

આ પ્રસંગે ગુજરાતી અખબારી પત્રકારત્વ દ્વિશતાબ્દિ મહોત્સવ સમિતિના પ્રમુખ અને જન્મભૂમિ ગ્રુપના મુખ્ય તંત્રી કુંદન વ્યાસે જણાવ્યું હતું કે આ અવસર માત્ર મુંબઈ સમાચાર માટે નહીં, ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા તમામ માટે મોટો ઉત્સવ છે. કોઈ અખબાર સાતત્ય સાથે બસો વર્ષ ચાલે અને પોતાનું નામ અને માન સાચવી રાખે એ મોટી સિદ્ઘિ છે.

તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું કે આરએનઆઈના રેકોર્ડ પ્રમાણે ભારતમાં ગુજરાતી ભાષામાં ૧૯૨૬ અખબારો પ્રકાશિત થાય છે તેમાં ૧૦૮ દૈનિકો અને ૯૯૩ સાપ્તાહિકો છે. તળ ગુજરાતમાં ૧૮૮૫ અખબારો પ્રકાશિત થાય છે. ગુજરાત બહાર મુંબઈ સહિત દેશ-વિદેશમાંથી પણ ગુજરાતી ભાષામાં અખબારો પ્રકાશિત થાય છે. અખબારો ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે ભાષાકીય પત્રકારત્વને બચાવવું જોઈએ તેમણે કોરાનાની અખબારી વ્યવસાય પર પડેલી અસરની વિગત આપીને આશા રાખી હતી કે આ સ્થિતિમાંથી અખબારી ઉદ્યોગને બહાર લાવવાના ઉપાયો કરાય.

આ અવસરે પહેલી જુલાઈના દિવસને ગુજરાતી પત્રકારત્વ દિવસ જાહેર કરાયો હતો. આ અંગે સમિતિના સભ્ય અને એનઆઈએમસીજે સંસ્થાના નિયામક ડો. શિરીષ કાશીકરે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને સહુએ અનુમોદન આપ્યું હતું.

મુંબઈ સમાચાર તરફથી પ્રતિસાદ આપતાં તંત્રીશ્રી નિલેશ દવેએ જણાવ્યું હતું કે મુંબઈ સમાચારના બસો વર્ષનો અવસર ગુજરાતી પત્રકારત્વમાં નવી ઉર્જા લાવે અને બધા સંગઠિત થાય એ યાદગાર બની રહેશે.  તેમણે જણાવ્યું હતું કે મુંબઈ સમાચાર ૧૫૦ ગ્રાહકોથી શરૂ થયું હતું, ૨૦૦ વર્ષમાં આજે સમગ્ર ગુજરાતી અખબારોના એક કરોડ જેટલા વાચકો હશે. આ સ્થિતિ માતૃભાષા ગુજરાતીને કારણે સર્જાઈ છે. આપણે તેનું જતન અને સંવર્ધન કરીએ.

મુંબઈ સમાચાર :  ફરદુનજી મર્ઝબાનની પરાક્રમી પહેલ એ વિષય પર અભ્યાસી અને સંક્ષિપ્ત વ્યાખ્યાન આપતાં જાણીતા પત્રકાર - લેખક રમેશ તન્નાએ જણાવ્યું હતું કે ફરદુનજી મર્ઝબાને અનેક પડકારોનો સામનો કરીને પહેલા ગુજરાતી અખબારનો પ્રારંભ કર્યો હતો. નવી પેઢીમાં બે સદીમાં ગુજરાતી ભાષામાં થયેલા તંત્રીઓ અને પત્રકારોની લોકનિષ્ઠાનું આરોહણ થાય એ જ તેની સાચી ઉજવણી ગણાશે. એક-એકથી ચડિયાતા અનેક તંત્રીઓએ માતબર પ્રદાન કર્યું છે ત્યારે અમદાવાદ કે ગાંધીનગરમાં ગુજરાતી અખબારી પત્રકારત્વનું સંગ્રહાલય સ્થપાવું જોઈએ.

આ અવસરે લંડનથી જોડાયેલા ગુજરાત સમાચારના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલે દરિયાપારના ગુજરાતી પત્રકારત્વની સુગંધની વાત કરી હતી. ભિખેશ ભટ્ટે આ અવસરને ઐતિહાસિક ગણાવ્યો હતો. જાણીતા યુવા ગાયક ઋષભ કાપડિયાની પ્રાર્થના ગાનથી વેબિનારનો શુભારંભ થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશ તન્નાએ કર્યું હતું.

આ વેબિનારમાં ગુજરાતી ભાષાના દિગ્ગજ તંત્રીઓ-સંપાદકો, સમિતિના સભ્યો, પત્રકારત્વની વિવિધ શિક્ષણ સંસ્થાઓના સંચાલકો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

(12:07 pm IST)