Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કાળમુખો કોરોના

રાજ્યમાં ૭૭૬ બાળકોએ ગુમાવી માતા-પિતાની છત્રછાયા : સૌથી વધુ રાજકોટના ૫૮ : અમદાવાદમાં ૪૨ થયા અનાથ

કોરોનાના કારણે મા-બાપ ગુમાવનારા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ચૂકવાઇ સહાય : પાંચ બાળકોને મુખ્યમંત્રીએ પોતાના હસ્તે ચૂકવી સહાયની રકમ : અનાથ થયેલા ૭૭૬ બાળકોને ૩૧.૦૪ લાખ રૂપિયાની સહાય ચૂકવાઇ : ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં અન્ય જિલ્લાના બાળકોએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા લીધો ભાગ

નવી દિલ્હી તા. ૮ : કોરોનાના કારણે અત્યાર સુધીમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજયમાં ૭૭૬ બાળકો એવા છે જે કોરોનાના કારણે અનાથ થયા છે. આ ૭૭૬ બાળકોના માતા અને પિતા બંનેનો ભોગ કોરોનાએ લીધો છે. અગાઉ રાજય સરકારે કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો માટે ૩૧.૦૪ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

કોરોનાના કારણે અનાથ થયેલા સૌથી વધુ બાળકો રાજકોટના છે. આ શહેરના ૫૮ બાળકોએ કોરોનાના કારણે માતાપિતા ગુમાવ્યા છે. ત્યારબાદ અમદાવાદ અને ભાવનગરનો ક્રમ આવે છે, અહીં ૪૨ બાળકો કોરોનાને લીધે નિરાધાર થયા છે. ગાંધીનગર જિલ્લામાં કોરોનાના લીધે મા-બાપની છત્રછાયા ગુમાવનારા બાળકોની સંખ્યા સૌથી ઓછી છે. અહીં ૬ બાળકો અનાથ થયા છે.

રાજય સરકારે 'મુખ્યમંત્રી બાળ સેવા યોજના'ની જાહેરાત કરી છે, જે અંતર્ગત કોરોનાના કારણે અનાથ થયેલા તમામ બાળકોને દર મહિને ૪,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. આ સહાય તેઓ ૧૮ વર્ષના થાય ત્યાં સુધી મળતી રહેશે. પાંચ અનાથ બાળકોને વ્યકિતગત રીતે આર્થિક સહાયની રકમ આપવામાં આવી હતી જયારે વિવિધ જિલ્લાના બાળકો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. કુલ ૭૭૬ બાળકોને ૩૧.૦૪ લાખ રૂપિયાની સહાય ચૂકવામાં આવી હતી.'

જે બાળકોને ૧૮ વર્ષ પૂર્ણ થયા પછી પણ અભ્યાસ ચાલુ હશે તેવા બાળકોને આફટર કેર યોજનામાં આવરી લઈ દર મહિને ૬ હજાર રૂપિયાની સહાય સરકાર આપશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા આવા બાળકો/યુવક-યુવતીઓને ૨૪ વર્ષ કે અભ્યાસના વર્ષ પૂરા થાય તે બેમાંથી જે વહેલું થશે ત્યાં સુધી આફટર કેર યોજનામાં પ્રતિ માસ ૬,૦૦૦ રૂપિયાની સહાય મળશે.

સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગરથી આ યોજના લોન્ચ કરી હતી. તેમણે જણાવ્યું કે, જયાં સુધી કોરોના મહામારી રહેશે ત્યાં સુધી આવા બાળકો જેમણે કોરોનાના કારણે માતાપિતા ગુમાવ્યા હશે અથવા માતાપિતાનું અવસાન કોરોના દરમિયાન થશે તેવા બાળકોને આ સહાય આપવામાં આવશે.

(12:05 pm IST)