Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

સુરત મનપાની તિજોરી તળિયા ઝાટક : છતા ૭૦ લાખના ખર્ચે ૫ કાર ખરીદવાની દરખાસ્ત મૂકતા વિવાદ]

સુરત,તા.૮: સુરત મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં આવી છે. મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક થઇ રહી છે ત્યારે ખોટા ખર્ચાઓને લઈને દરખાસ્ત મૂકતા ભૂતકાળમાં પણ વિવાદો થયા છે. હવે સુરતમાં કમિશનર, મેયર સહિત ચાર જેટલા પદાધિકારીઓ માટે પાંચ જેટલી ઈનોવા ગાડી માટેના ૭૦ લાખ રૂપિયાના ખર્ચનો પ્રસ્તાવ મૂકતા વિવાદ સર્જાયો છે. કોરોનાની મહામારી બાદ સુરતમાં ખર્ચાઓને લઈને સુરત મહાનગરપાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ છે. આથી મહાનગરપાલિકા આવક સ્ત્રોત શોધી રહી છે. ખાસ કરીને કેટલીક જમીનો પણ મહાનગરપાલિકાએ વેચવા કાઢી છે. એવામાં ખોટા ખર્ચા પર અંકુશ રાખવા માટે સતત વિરોધ પક્ષ દ્વારા અને ખાસ કરીને અધિકારીઓ તરફથી સૂચના આપવામાં આવી છે. આ સમયે ફરી એકવાર મહાનગરપાલિકામાં વિવાદ સર્જાયો છે.

આ વખતે એક બે નહીં પણ ૭૦ લાખના ખર્ચે પાંચ ઈનોવા કાર ખરીદવાની મંજૂરીની દરખાસ્ત મૂકવામાં આવી હતી. ખાસ કરીને મહાનગરપાલિકાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીઓ માટે પાંચ જેટલી નવી કાર ખરીદવાની તૈયારી સાથે દરખાસ્ત મૂકવામાં આવી છે. જેને લઈને નવા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. મહાનગરપાલિકા પ્રજાના પૈસાને ખોટી જગ્યાએ ખર્ચ કરી રહી હોવાથી હવે વિરોધ પક્ષ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ચાર ઇનોવા ગાડી ૧૧ વર્ષ પહેલા ખરીદવામાં આવી હતી. હવે આ ગાડીઓની અવધિ પૂરી થઈ ગઈ છે. સાથે જ આ ગાડીઓના રિપેરિંગ માટે મોટો ખર્ચ થઈ રહ્યો છે. જેને લઇને દરખાસ્ત મૂકવામાં આવી છે. શાસક પક્ષ નેતાની ગાડી ૨૦૦૭માં ખરીદવામાં આવેલી છે. ૧૪ વર્ષમાં તેમની કાર ત્રણ લાખથી વધારે કિલોમીટર ચાલી ચૂકી છે. વારંવાર કાર ખરાબ થવાને કારણે આ કારને હટાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(12:05 pm IST)