Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

રથયાત્રા આડે કાનૂની સ્પીડ બ્રેકર આવતું રોકવા સતાવાર જાહેરાત મોડી કરવાનો વ્યૂહ

કેટલાક સંગઠનો કોરોના મહામારી અને સંભવિત ત્રીજી લહેરનું કારણ રજૂ કરી હાઈ કોર્ટના દરવાજા ખટખટાવે તેવી ભિતી? : ગુજરાતભરમાંથી બંદોબસ્ત માટે અમદાવાદ પહાંેચેલ અધિકારીઓને પોલીસ હેડ કવાર્ટર ખાતે સીપી સહિતની ટીમ દ્વારા માર્ગદર્શન, વિસ્તૃત જાણકારી બાદ મેદાનમાં ઉતારાશે. : શનિવારે રિહર્સલઃ ભગવાનના મામાના ઘેર સીપી સંજય શ્રી વાસ્તવ,એડી.સીપી રાજેન્દ્ર અસારી, ડીસીપી મકરંદ ચૌહાણ પોહોંચ્યા, આખા રૂટનું ફરી નિરીક્ષણ,ભારે ધમધમાટ

રાજકોટ તા.૮,  અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા આડે હવે ગણત્રીના દિવસો બાકી છે ત્યારે ગઈ કાલે કેબિનેટ બેઠકમાં રથયાત્રા કાઢવા અંગે નિર્ણય લીધા બાદ, રથયાત્રા કોરોના મહામારીનો ત્રીજી લહેરનો ભય બતાવી હાઈ કોર્ટમાંથી કેટલાક સંગઠનો અને નાગરિકો સ્ટે ન લાવે તે માટે સતાવારજાહેરાતમાં વિલંબ કરવામાં આવી રહ્યાનું અનુભવીઓ માની રહ્યા છે. જાણકારોના મતે પોલીસ તંત્રને ખાનગીમાં રથ યાત્રા કેવી પદ્ધતિથી કાઢવાની છે તેના સંકેત પણ આપી દેવામાં આવ્યા છે.

 દરમિયાન જાણકારોના મતે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ અને તેમની ટીમ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે ધમધમાટ ચાલી રહ્યો છે.

 પોલીસ. કમિશનર સંજય શ્રી વાસ્તવ,એડી.પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારી, ઝોન ૩ના ડીસીપી મકરંદ ચૌહાણ સહિતના અઘિકારીઓ દ્વારા ભગવાનના મામાના ઘેર પહોચ્યા હતા. દર્શન સાથે સમગ્ર રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. અત્રે યાદ રહે કે પોલીસ દ્વારા શનિવારે જબરજસ્ત રિહર્સલ થનાર છે.  

 દરમિયાન ગુજરાત ભરમાંથી રથયાત્રા બંદોબસ્તમાં સામેલ કરનાર અધિકારીઓ અમદાવાદ પહોંચી ગયા છે. અમદાવાદ પોલીસ હેડ કવાર્ટર ખાતે ગુજરાતભરમાંથી આવેલ અધિકારીઓની પોલીસ કમિશનર દ્વારા ઉકત બેઠકમાં રથયાત્રા બંદોબસ્તની ઝીણવટભરી માહિતી આપવા સાથે સામાન્ય બંદોબસ્તથી આ બંદોબસ્ત કેવી રીતે અલગ પડે તે બાબતે વિસ્તૃત જાણકારી આપી મેદાને ઉતારવા માટે સજજ કરવામાં આવેલ. ઉપરોકત તસ્વીર રથયાત્રાની ફાઇલ તસ્વીર.

(12:04 pm IST)