Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

એમેઝોનનું ડિઝીટલ કેન્દ્ર નવિન તકો ખોલનારૂ બનશે : વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરથી મુખ્યમંત્રીના હસ્તે સુરતમાં પ્રથમ એમેઝોન ડિઝીટલ કેન્દ્રનું વિડીયો કોન્ફરન્સથી ઉદ્ઘાટન

રાજકોટ તા. ૮ : મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ એમેઝોનના ગુજરાતમાં પ્રથમ એવા ડિજિટલ સેન્ટરનો કર્યારંભ કરાવતા સ્પષ્ટ પણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ એક બજાર છે.

આ વિશ્વ બજારનો નાના મોટા સૌ વેપાર ઉદ્યોગોને વ્યાપક લાભ મળે તે માટે ખાસ કરીને એમએસએમઇ ઉદ્યોગો, હસ્તકલા કારીગીરી, આદિજાતીઓની પારંપરિક હસ્તકલા ચીજ વસ્તુઓ અને ઝરિકામ જેવા ઉદ્યોગો વેપાર માટે ઓન લાઈન બિઝનેસ, ટ્રેડિંગની તાલીમ માર્ગદર્શન અને સંસાધન સહાયતામાં એમેઝોનનું આ ડિજિટલ કેન્દ્ર નવિન તકો ખોલનારૃં બનશે.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ એમેઝોન ડિજિટલ કેન્દ્રનો ગાંધીનગર થી વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવ શ્રી એમ કે દાસની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

તેમણે જણાવ્યું કે કોરોનાના આ કપરા સમયે આર્થિક ગતિવિધિઓને અસર પહોંચાડી છે પરંતુ ગુજરાત અને ગુજરાતીઓમાં વેપાર વણજ, સાહસિકતા અને આપત્તિને અવસરમાં પલટાવવાની આગવી કુનેહ પડેલી છે.

ગુજરાતમાં આ કપરા સમયમાં પણ ઉદ્યોગ વેપાર અને આર્થિક પ્રવૃત્ત્િ। અટકયા નથી.

હવે એમેઝોન જેવા વર્લ્ડ કલાસ ઓન લાઇન બિઝનેસ સાહસના આ ડિજિટલ કેન્દ્ર શરૂ થવાથી સુરતના ૪૧ હજાર જેટલા એમ એસ એમ ઇને પોતાના ઉદ્યોગોને વિશ્વ બજારમાં વેચાણ માટે ઇ-કોમર્સ તાલીમ, માર્ગદર્શન અને સંસાધન બધું જ એક જ છત્ર અંડર વન રૂફ મળશે એમ પણ શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાત હરેક ક્ષેત્રે અગ્રેસર છે હવે આ ડિજિટલ કેન્દ્ર ઇ કોમર્સના સેકટરમાં પણ અગ્રેસર બનશે અને વધુ રોજગારીની તકો આ સેકટર પૂરી પાડશે.

આના પરિણામે મેઇડ ઈન ગુજરાત અને પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની આત્મનિર્ભર ભારતની સંકલ્પના પણ સાકાર થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે કોરોનાના સમયમાં પણ 'ના ઝુકના હે ના રૂકના હે ના' મંત્ર સાથે વેપાર ઉદ્યોગ અને અન્ય ગતિવિધિઓ પણ જાળવી રાખી છે તેમાં હવે આ ડિજિટલ કેન્દ્ર વિશ્વ વેપારની નવી દિશા આપશે તેમ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે ગુજરાતે કોરોના સમય માં પણ દેશ ભરમાં સૌથી વધુ ૩૭ ટકા એફ.ડી આઇ મેળવ્યું છે. એટલું જ નહિ બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી અને અન્ય પ્રોત્સાહનોને પરિણામે ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ બન્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની આ વિકાસ યાત્રામાં એમેઝોનના આ ડિજિટલ કેન્દ્રના પ્રારંભને આવકારી સહયોગની ખાતરી આપી હતી.

આ અવસરે એમેઝોન ઈન્ડીયાના કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ, પબ્લિક પોલિસી વાઇસ પ્રેસિડેન્ટ ચેતન ક્રિશ્ના સ્વામી, કનઝયુમર બિઝનેસ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ તિવારી વગેરે પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

(12:56 pm IST)