Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રભારીઃ ૩ નામો છે ચર્ચામાં

ઓમ માથુર, વર્તમાન સહપ્રભારી સુધીર ગુપ્તા અને પ્રકાશ જાવડેકરના નામ મુખ્ય

નવી દિલ્હી, તા.૮: મિશન ૨૦૨૨ને ધ્યાને રાખીને ભાજપના નવા પ્રદેશ પ્રભારીની ઝડપથી જાહેરાત થઈ શકે છે. વર્તમાન પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળતા ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રભારી મળશે તે નિશ્યિત છે. કારણકે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે. નવા પ્રભારી તરીકે મહત્વના ત્રણ નામોની અટકળો ચાલી રહી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રભારી ઓમ માથુર, વર્તમાન સહપ્રભારી સુધીર ગુપ્તા અને પ્રકાશ જાવડેકરના નામ મુખ્ય છે. ઓમ માથુર આ પહેલા પણ ગુજરાતના પ્રભારી અને ચૂંટણી પ્રભારી રહી ચૂકયા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતના સંગઠન અને સરકારના મોટાભાગના ચહેરાઓ સાથે પરિચિત છે. તેવામાં તેમની પસંદગીની અટકળો લાગી રહી છે. જો કે આ અંગેનો નિર્ણય તો પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ કરશે.

હાલના પ્રભારી ભૂપેન્દ્ર યાદવની વાત કરીએ તો ભૂપેન્દ્ર યાદવ વર્ષ ૨૦૧૭થી ગુજરાત ભાજપના પ્રભારી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ખૂબ જ વિશ્વાસુ માનવામાં આવે છે. અમિત શાહ જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારે યાદવને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી.. વિધાનસભા ચૂંટણીના ૮ મહિના પહેલા તેમને ગુજરાતની જવાબદારી સોંપાઈ અને ત્યાર બાદ ગુજરાતની જે રાજકીય સ્થિતિ હતી તેનું આકલન કરીને ભાજપને સતત છઠ્ઠીવાર સત્ત્।ા પર લાવવા માટે મહત્વની ભૂમિકા પણ તેમણે ભજવી હતી. વર્ષ ૨૦૧૭માં ભાજપને એન્ટી ઈન્કમબન્સી સહિત આંદોલનોનો સામનો કરવો પડ્યો હતો, તેવા સમયે ભૂપેન્દ્ર યાદવે પ્રભારી તરીકે ચાર્જ સંભાળ્યો હતો અને ત્યારબાદ રાજયની સાચી સ્થિતિથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને માહિતગાર કર્યા અને યોગ્ય સમયે ડેમેજ કંટ્રોલ હાથ ધરવાથી ભાજપ ૯૯ બેઠકો જીતીને ફરી સત્ત્।ા પ્રાપ્ત કરી શકયો.

ભૂપેન્દ્ર યાદવ વર્ષ ૨૦૧૦માં રાષ્ટ્રીય ભાજપના મંત્રી બન્યા હતા અને ત્યારબાદ સતત તેમને મોટી જવાદારીઓ મળતી રહી છે. વર્ષ ૨૦૧૨માં તેમને રાજયસભાના સાંસદ બનાવાયા હતા. આ ઉપરાંત તેમણે વર્ષ ૨૦૧૩ના રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી, વર્ષ ૨૦૧૪માં ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી..વર્ષ ૨૦૧૭માં ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ભવ્ય જીત અપાવ્યા બાદ વર્ષ ૨૦૨૦ના બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. હાલ ભૂપેન્દ્ર યાદવ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી છે અને અધ્યક્ષ જે પી નડ્ડાની ટીમના મહત્વના સભ્ય છે. આ ઉપરાંત હાલની પશ્યિમ બંગાળની વિધાનસભા ચૂંટણીઓમાં પણ તેમને જવાબદારી આપવામાં આવી હતી. હવે તેમને કેન્દ્રીય કેબિનેટમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમને શ્રમ રોજગાર અને પર્યાવરણ મંત્રી બનાવવામાં આવ્યા છે.

તાજેતરમાં જ કોરોના કાળ ભાજપ સરકાર અને સંગઠનની ભૂમિકા પર ઉઠેલા સવાલો વચ્ચે ગત મહિને તેઓ ગાંધીનગર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરીને હાલની સ્થિતિની સમીક્ષા કરી હતી અને આગામી ચૂંટણીઓ માટે સરકાર અને સંગઠનને રોડમેપ તૈયાર કરવા સૂચનાઓ આપી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતની રાજકીય સ્થિતિમાં પરિવર્તનની અટકળો ચાલી રહી હતી. જેના પર તેમની મુલાકાત બાદ રોક લાગી હતી. તેમણે સરકારની હાલની સ્થિતિ અંગે તમામ સિનિયર નેતાઓ સાથે બેઠક કરીને પરિસ્થિતિ જાણી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે પણ બેઠક યોજીને સંકલન કરવા માટે સૂચના આપી હતી. આગામી દિવસોમાં સરકાર અને સંગઠન સાથે ચાલે તેવી રણનીતિ પણ દ્યડવામાં આવી હતી અને હવે અચાનક તેઓ કેબિનેટ મંત્રી બનતા ગુજરાત ભાજપને નવા પ્રભારી મળશે. આગામી દિવસોમાં નવા પ્રભારી તરીકે જે પણ નેતા આવશે તેના માટે મિશન ૨૦૨૨નો પડકાર મુખ્ય રહેશે.

(3:18 pm IST)