Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

કોરોનાની બીજી લહેર બાદ સ્થિતી વધુ કફોડી બની

આત્મનિર્ભર લોનના હપ્તા ભરવામાં પણ મુશ્કેલી, બેંકમાં અરજીઓ વધી

ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેંકે આવી અરજીઓના એકત્રીકરણનું કામ હાથ ધર્યું

અમદાવાદ,તા. ૮ : રાજય સરકારની આત્મનિર્ભર યોજના હેઠળના હપ્તામાં મોરેટોરિયમ આપવા કે પછી અમુક ચોક્કસ સમયની રાહત આપવા માટેની અરજીઓ વધી રહી છે. ગુજરાત સ્ટેટ કો.ઓપરેટિવ બેંક દ્વારા પણ આવી અરજી એકત્ર કરવા માંડી છે.

કોરોનાની પ્રથમ લહેરના કારણે ૪ માસ સુધી વેપાર-ધંધા બંધ રહેતાં ગૃહઉદ્યોગ ચલાવનારની સાથોસાથ નોકરિયાત વર્ગ માટે આત્મનિર્ભર લોન યોજના ૧ અને ર જાહેર કરવામાં આવી હતી. અઢી મહિના સુધી સહકારી બેંકો દ્વારા ખાતેદારોની અનુક્રમે ૧ અને ર.૫ લાખની લોન આપવામાં આવી હતી. ૩૦ મહિનાના હપ્તાવાળી આ લોનમાં શરૂઆતના ૬ હતા મોરેટોરિયમ પિરિયડમાં રાખવામાં આવ્યા હતા. જોકે, ફરીથી માર્ચના અંતમાં કોરોનાની બીજી કાતિલ વેવની અસર વર્તાય હતી. લોકોની આજીવિકાને ખૂબ વરવી અસર થઈ છે. હવે આ લોનધારકો દ્વારા બેંકોમાં હપ્તામાં રાહત આપવા માટેની અરજીઓ થવાની શરૂઆત થઈ ચૂકી છે. સ્થાનિક બેંકર્સ જણાવે છે કે, પ્રતિદિન એકથી બે પરિવાર દ્વારા આ લોન યોજના હેઠળ રાહત આપવાની માંગણી થઈ રહી છે. જેની સામે બેંકોનું એનપીએ વધે તેવી પણ ચિંતા છે. બેંક ફેડરેશન આની જાણ રાજય સરકારને પણ કરશે. (૨૨.૫)

સુરત સહિત રાજયની અન્ય બેંકોની પણ સબસિડી અટકી

છેલ્લા ૬ મહિનાથી રાજય સરકાર દ્વારા સુરત સહિત રાજયની કો. ઓપરેટિવ બેંકોને કવાર્ટલી સબસિડી આપવામાં આવી નથી. ૧ લાખની લોન લેનારને ૮ ટકાના વ્યાજ સામે ૬ ટકા જયારે ૨.૫ લાખની લોન લેનારને ૪ ટકા વ્યાજ સબસિડી આપવાની જાહેરાત થઈ હતી. જોકે. કેટલીક બેંકો દ્વારા લોનના આંકડા સાથે ખોટું કરાયાની આશંકાએ સબસિડી અટકાવી દેવામાં આવી છે. જેની તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

સૌથી વધુ સુરતમાં જ લોન લેવાઇ હતી

આત્મનિર્ભર લોન યોજનામાં સુરતની ૩૦ કો.ઓપરેટિવ બેંકો દ્વારા ૪૧,૦૦૦થી વધુ અરજીધારકોને ૫૧૦ કરોડનું ધિરાણ અઢી માસમાં જ કરી દેવાયું હતુ. ઉપરાત, આ લોન આપવા માટે થયેલી જાહેરાત બાદ બેંકોએ રાજય સરકારની સબસિડીની સહાય સમયસર મળે તે માટે પણ રજૂઆત કરી હતી.

(10:23 am IST)