Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

હું છોટુભાઈ વસાવાની માંગને બોવ ગંભીરતાથી લેતો નથી: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

દિલ્હીના મુખ્યમંત્રીએ બણગા ફૂંકી જેટલા વચનો આપ્યા એ પુરા કર્યા નથી

રાજપીપળા :ડો.શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિતે નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા 11000 વૃક્ષોના વાવેતરના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નર્મદા જિલ્લાના લાછરસ ગામ ખાતે 11000 વૃક્ષોનું વૃક્ષારોપણની શરૂઆત કરાવતા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે સાંસદ ગીતાબેન રાઠવા, સાંસદ મનસુખભાઈ  વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત ડાંગર, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વૃક્ષારોપણના કાર્યક્રમ પેહલા નર્મદા ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ બાઈક રેલી સ્વરૂપે સી.આર.પાટીલનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, એકલું ભારત માતાકી જય બોલવાથી કશું જ નહીં થાય, ભારત માતા તો આપણા દિલમાં જ છે પરંતુ ભારત દેશ માટે આપણે સૌએ મળી કઈક કરવું પડશે.જે વધુ ઓક્સિજન પેદા કરે એવા વૃક્ષોની ઓળખ કરી એ વૃક્ષો વવાવા જોઈએ.ગુજરાતનો મુખ્યમંત્રી આદીવાસી હોવો જોઈએ એવી છોટુભાઈ  વસાવાની માંગ મુદ્દે એમણે જણાવ્યું હતું કે હું છોટુભાઈ  વસાવાની માંગને બોવ ગંભીરતાથી લેતો નથી. ગુજરાતમાં “આપ” કેટલું સફળ રહેશે એ મુદ્દે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીએ બણગા ફૂંકી જેટલા વચનો આપ્યા એ પુરા કર્યા નથી, દિલ્હીની 33% સ્કૂલોના રિઝલ્ટ ફેઈલ છે, ગુજરાતમાં 40 લાખ જ્યારે દિલ્હીમાં 19 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. દિલ્હીની સામે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખૂબ સારી છે.

 

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી મંડળના વિસ્તરણમાં ગુજરાતના 5 મંત્રીઓને સ્થાન મળ્યું છે.હવે ગુજરાતના પ્રશ્નો માટે લોકોએ ધક્કા ખાવાનો વારો નહિ આવે.આ મંત્રીઓ ગુજરાતના પ્રશ્નોને અગ્રીમતા આપશે, જેનો ગુજરાતને મોટો ફાયદો થશે.

(10:59 pm IST)