Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

રાજ્યમાં પરીક્ષામાં પેપર ફૂટવા કે ગેરરીતિ થવાની ઘટના અટકાવવા NSUIની ટીમ પરીક્ષા કેન્દ્રો પર પહેરો આપશે.

કેન્દ્રોની ચુસ્ત સુરક્ષા કરવા સાથે ઉમેદવારો માટે ફરિયાદ કરવા નંબર જાહેર કર્યા

અમદાવાદ :રાજ્યમાં હાલ LRDની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેની શારીરિક કસોટી 29મી જાન્યુઆરીએ જ સમાપ્ત થઈ. જે બાદ આ કસોટીમાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારોની 10મી એપ્રિલના રોજ લેખિત પરીક્ષા યોજાવા જઈ રહી છે. શારીરિક દોડની કસોટીમાં પાસ થયેલા 3 લાખ જેટલા ઉમેદવારો લેખિત પરીક્ષા આપવાના છે. અગાઉ ઘણી સરકારી ભરતી પરીક્ષામાં પેપર ફૂટવાના બનાવો બન્યા છે, એવામાં આ પરીક્ષામાં પેપર ફૂટવા કે ગેરરીતિ થવાની ઘટના ન બને તે માટે હવે NSUIની ટીમ પરીક્ષા કેન્દ્રો પર પહેરો આપશે.

કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શનમાં રાજ્યમાં પરીક્ષા યોજાવાની છે તે જિલ્લાના દરેક કેન્દ્રોની ચુસ્ત સુરક્ષા માટે શહેર દીઠ NSUIના વિદ્યાર્થી કાર્યકરોની ટીમો તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત હેલ્પલાઈન નંબર પર જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષામાં કોઈપણ ગેરરીતિ થવા પર ઉમેદવારો આ નંબર પર સંપર્ક કરી શકશે.

આ વિશે વાત કરતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, LRDની ભરતી પરીક્ષામાં એપિયર થતા તમામ ભાઈઓ-બહેનોને મારી શુભકામના પાઠવું છું અને આશા રાખું છું કે આ વખતની પરીક્ષા ગેરરીતિ રહિત હોય અને પેપર ફૂટવાની ઘટના ન બને. મારી LRDની પરીક્ષા આપતા ભાઈઓ-બહેનોને વિનંતી છે કે તમારો લાંબા સમયનો ઈંતજાર હતો, લાંબા સમયની તમારી તૈયારી હતી, અને આ વખતની પરીક્ષા અણીશુદ્ધ રીતે લેવાય, મેરિટ જાહેર થાય અને મહેનત કરનારા તમામ ઉમેદવારો ઉત્તિર્ણ થાય અને આ LRDની ભરતીમાં આવીને દેશની અને રાજ્યની સેવા કરે. હું તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને શાંત ચિત્તે અને હિંમતથી પરીક્ષા આપવા વિનંતી કરું છું અને આ વખત ગેરરીતિ ન થાય એ માટે મેં ગુજરાત NSUIના બધા જ વિદ્યાર્થી કાર્યકરોને પણ કેન્દ્રો પર નજર રાખવા વિનંતી કરી છે. તમને પણ કોઈ કેન્દ્રો પર ગેરરીતિ થયાની બાતમી મળે તો આ નંબરો પર જરૂરથી જાણ કરવા વિનંતી છે. તેને અટકાવવા અમે તમામ પ્રયાસો કરીશું અને રાજ્ય સરકાર પર દબાણ કરીને આ પ્રકારની પ્રવૃત્તિ ફરી ન થાય તેવા પ્રયાસો કરીશું

 

નોંધનીય છે કે, 29મી જાન્યુઆરીએ જ લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, પોલીસ ભરતી માટે 8.86 લાખ ઉમેદવારોની અરજી મળી હતી અને 3 ડિસેમ્બરથી શારીરિક કસોટી શરૂ કરવામાં આવી હતી, જે આજે (29 જાન્યુઆરી) પૂરી થઈ છે. જેમાં 6.98 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા. એમાં 85 હજાર મહિલા ઉમેદવારો તથા 2.20 લાખ પુરુષ ઉમેદવારો એમ કુલ 3.05 લાખ ઉમેદવારો પાસ થયા છે

ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

(7:19 pm IST)