Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

સુરતમાં યુવા છાત્ર સંઘર્ષ સમિતિ દ્વારા ‘શિક્ષણમંત્રી રાજીનામુ આપે’ના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરાયું

સરકાર ખોટા નિવેદનો આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત ન થઈ શકે તે પ્રકારના સુત્રોચ્ચાર કર્યા

સુરત : રાજ્ય શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના નિવેદનને લઈને સુરતના યુવા છાત્ર સંઘર્ષ સમિતિ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યમાં યોગ્ય શિક્ષણ વ્યવસ્થાને પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ રહેલી સરકાર ખોટા નિવેદનો આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત ન થઈ શકે તે પ્રકારના સુત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે જ ‘શિક્ષણમંત્રી રાજીનામુ આપે’ના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જીતુભાઈ  વાઘાણીએ તાજેતરમાં જ જે નિવેદન આપ્યા છે તેને લઈને ખૂબ જ ચર્ચામાં આવી ગયા છે. જીતુ વાઘાણી આપેલા નિવેદનથી શિક્ષણ જગતમાં નવો વિવાદ ઊભો થયો છે. જેના ગુજરાતમાં શિક્ષણ સારુ ન લાગતું હોય તે તેમણે જ્યાં ગમે ત્યાં અન્ય સ્થાને જઈને શિક્ષણ લેવાની વાત કરી હતી. જેને લઈને વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. વરાછા ધારુકાવાળા કોલેજમાં વિદ્યાર્થીઓ ગેટ પર એકત્રિત થઈને જીતુ ભાઈ વાઘાણીના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જીતુ ભાઈ વાઘાણીના નામના પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

 

શિક્ષણમંત્રી હોવા છતાં જે પ્રકારના નિવેદનો જીતુભાઈ  ભાઈ વાઘાણી આપી રહ્યા છે. તેને લઈને સ્વાભાવિક રીતે જ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળે છે. વિદ્યાર્થીઓ કહ્યું કે તેઓ પોતે જ પોતાના રાજ્યના શિક્ષણ અંગે આ પ્રકારની વાત કરવી એ યોગ્ય નથી. જીતુ વાઘાણી પોતે શિક્ષણને નકારી રહ્યા છે. કદાચ તેમનો પુત્ર જ પરીક્ષામાં કાપલી સાથે ઝડપાઇ ગયો હતો. આ પ્રકારની વાત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

યુવા છાત્ર સંઘર્ષ સમિતિના મહામંત્રી વિવેક પટોડીયાએ જણાવ્યું કે જીતુભાઈ વાઘાણી અને રાજ્ય સરકારનું અભિમાન કેટલી હદે છે તે છેલ્લા કેટલાક દિવસોથી સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. પોતાના રાજ્યમાં યોગ્ય શિક્ષણ વ્યવસ્થા ન આપી શકનારા શિક્ષણમંત્રી સલાહ આપી રહ્યા છે કે અન્ય સ્થળે જઈને શિક્ષા મેળવો. આ પ્રકારનું નિવેદન એ બતાવે છે કે તેઓ પોતે શિક્ષણને લઈને કેટલા ઉદાસીન છે. આજે સોશિયલ મીડિયામાં જે પ્રકારે હેશટેગ કોણ જીતુ વાઘાણી ટ્રન્ડ કરી રહ્યું છે. જે શિક્ષણમંત્રી જીતુભાઈ  વાઘાણી ને બતાવે છે કે યુવાનોમાં કેટલો રોષ છે. રાજ્ય સરકારના મંત્રીઓના આવતા નિવેદનો પરથી સ્પષ્ટ થાય છે કે ખૂબ જ અહંકારમાં આવીને સતત વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે.

(7:16 pm IST)