Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

વડોદરામાં દિવસે ને દિવસે તસ્કરોનો તરખાટ:જુદા જુદા વિસ્તારમાં ત્રણ બંધ મકાનને નિશાન બનાવી 3.50 લાખની તસ્કરી થતા પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું

વડોદરા: શહેરના જુના પાદરા રોડ ખાતે રહેતા તબીબ પ્રિતેશભાઇ પરીખના ભાઈ સૌમિલનું મકાન જુના પાદરા રોડ ખાતેની શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં આવેલું છે. સૌમિલ મહુવા ખાતે વસવાટ કરતો હોય મહિનામાં એક વખત વડોદરા આવે છે. દરમિયાન ગઈકાલે જાણવા મળ્યું હતું કે, બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી બેડરૂમની તિજોરીમાંથી સોનાની બંગડીઓ અને સોનાનો હાર મળી 1.40 લાખની મતા ચોરી નાશી છૂટયા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં શહેરના આજવા રોડ ઉપર આવેલી શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા વિનોદભાઈ સોલંકી કોર્પોરેશનમાં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવે છે. 05મી માર્ચના રોજ સાંજના સુમારે તેઓ મકાનને તાળું મારી નવાપુરા ખાતે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા. જ્યાંથી બીજા દિવસે સવારે પરત ફરતા ચોરી થયાનું બહાર આવ્યું હતું. અજાણ્યા તસ્કરો મુખ્ય દરવાજાનો નકૂચો તોડી તિજોરીમાંથી રોકડા 25 હજાર અને સોના-ચાંદીનાના ઘરેણા મળી 1.53ની ચોરી કરી નાસી છૂટયા હતા. ઉપરોક્ત ફરિયાદના આધારે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવમાં શહેરના ન્યુ.વી.આઈ.પી રોડ સ્થિત પંચમ ડુપ્લેક્સમાં રહેતા હેમંતકુમાર ત્રિવેદી બેન્કમાંથી રિટાયર્ડ થયા બાદ હાલ નિવૃત જીવન ગુજારે છે. કેનેડા જવા માટે મેડિકલ ચેકઅપની પ્રક્રિયા હેતુ મકાનને તાળું મારી 06 માર્ચના રોજ તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાંથી પરત ફરતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હોય ચોરી થયાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતાં અજાણ્યા તસ્કરો રોકડા રૂપિયા 17 હજાર અને સોના ચાંદીના ઘરેણા મળી 1.09 લાખની મતા ચોરી નાસી છૂટ્યા હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદના આધારે બાપોદ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:55 pm IST)