Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

ગળતેશ્વર તાલુકાના સોનીપુર ગામમાં લગ્ન પ્રસંગમાં ગરબામાં ધક્કામુક્કી થતા થયેલ ઝઘડામાં ગર્ભવતી મહિલાના પેટ પર લાત લાગતા બાળકનું મૃત્યુ

ગળતેશ્વર:તાલુકાના સોનીપુર ગામમાં લગ્ન પ્રસંગમાં ગરબા માં ધક્કામુક્કી થતા ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ગર્ભવતી મહિલાના પેટમાં લાત મારતા બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે ત્રણ સામે ગુનો નોંધી સેવાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગળતેશ્વર તાલુકાના પીપળીયા સોનીપુરમાં ચંદ્રિકા બેન રાજેશભાઈ ભોઈ પરિવાર સાથે રહે છે. તા. ૩/૪/૨૨ના રોજ ચંદ્રિકાબેન તેની મોટી બહેન લીલાબેનના ભત્રીજાના લગ્ન હોવાથી રાત્રે ગોતરડામાં ગયા હતા. જ્યાં રાત્રે મંદિર આગળ જ્યોત્સનાબેન રાસ ગરબા રમતા હતા ત્યારે ધક્કામુક્કી જતા જ્યોત્સના બેનથી મયુરીબેનને ધક્કો લાગતા બોલાચાલી થઈ હતી. જેમાં મયુરીબેનના મામા વિજયભાઇ તથા ઢોલા ભાઈ મોહનભાઈ ભોઈ આવી ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતા. ત્યારે સગા સંબંધીઓએ ઝઘડો શાંત પડયો હતો. જેથી ચંદ્રિકાબેન તેમના ભાભી જ્યોત્સનાબેનને ઘરે લઈને જતા હતા. દરમિયાન વિજયભાઈ મોહનભાઇ તેનો ભાઈ ઢોલાભાઈ તથા પિતા મોહનભાઈ સનાભાઇ ભોઈ જ્યોત્સના બેનને ગડદાપાટુ માર મારતા હોવાથી ચંદ્રિકાબેન છોડાવવા વચ્ચે પડયા હતા ત્યારે મોહનભાઈ સનાભાઇ ભોઈ ચંદ્રિકાબેન ગર્ભવતી હોવાનું જાણતા હોવા છતાં ચંદ્રિકાબેનના પેટમાં લાત મારતા ચંદ્રિકાબેન ઢળી પડયા હતા. આમ છતાં લગ્ન પ્રસંગ ન બગડે તે માટે સમાધાન કરી મામલો થાળે પાડયો હતો. પરંતુ બાદમાં તા.૫/૪/૨૨ના રોજ ચંદ્રિકાબેનને પેટમાં દુખાવો થતા તેમજ બ્લડિંગ ચાલુ થઈ જતા તેમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં બાલાસિનોર હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં રાત્રે ચંદ્રિકાબેનને ગર્ભપાત થઈ જતા બાળક મૃત હાલતમાં જન્મ્યું હતું. આમ ચંદ્રિકાબેન ગર્ભવતી હોવાનું જાણવા છતાં મોહનભાઈ ભોઈએ મહિલાના પેટમાં લાત મારતા પેટમાં બાળકનું મોત નીપજ્યું હતું.

(6:12 pm IST)