Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

આણંદ:બાકરોલની સીમમાં જમીનના બાનાખત કરી બરોબર અન્ય વ્યક્તિને વેચી દઈ 62.10 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: બાકરોલ ગામની સીમમાં આવેલ જમીન વર્ષ ૨૦૧૨માં આંકલાવની વૃધ્ધાને વેચાણ બાનાખત કરી આપી ત્રાહિત વ્યક્તિને વેચી મારી હોવાનો બનાવ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયો છે. પોલીસ રૂા.૬૨.૧૦ લાખની છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરનાર પાંચ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બાકરોલ ગામે રહેતા વિમલબેન જગદીશભાઈ પટેલની બાકરોલ ગામની સીમમાં આવેલ બ્લોક સર્વે નંબર ૧૦૫૧ વાળી ૫૨.૬૧ ગુંઠા જમીન આવેલી છે. આ જમીન ભડકદ ગામે રહેતા શૈલેષભાઈ ભીખાભાઈ પટેલના રહેતા સાસુ અમૃતબેન ઉર્ફે રમીલાબેન રાયસીંગભાઈ છીતા(રહે.આંકલાવ)એ ગત તા.૩-૯-૨૦૧૨ના રોજ રૂા.૬૭.૧૦ લાખમાં વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું.  જે પેટે રૂા.૬૨.૧૦ લાખનો ચેક અમૃતબેને વિમલબેનને આપ્યો હતો અને રજીસ્ટર્ડ વેચાણ બાનાખત કર્યો હતો અને જુની શરતની જમીન બિનખેતીલાયક કરી આપ્યા બાદ બીજા પાંચ લાખ લઈને વેચાણ દસ્તાવેજ કરી આપવાનું નક્કી કર્યું હતું.  ત્યારબાદ આ જમીનમાં મૂળ માલિક બાજુથી કોર્ટ મેટરો થવા પામી હતી. દરમ્યાન ૨૦૧૩માં જીવણભાઈ ઉર્ફે મફતભાઈ હમીરભાઈ ભરવાડે રોકડા રૂા.૧૫ લાખ લઈને વિમલબેન પાસેથી વેચાણ દસ્તાવેજ કરાવી આપવાની બાંહેધરી આપી હતી. તેમ છતાં આ બાંહેધરી પણ પુરી નહી કરી ઉક્ત નાણાં પણ પડાવી લીધા હતા. ત્યારબાદ જુન-૨૦૨૧માં વિમલબેને વેચાણ દસ્તાવેજ કરી આપવા નોટિસ આપી ખોટા વાયદાઓ કરીને વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો તેમજ ઓગષ્ટ-૨૦૨૧માં ફરિયાદીને બાનાખત રદ કરવાની નોટિસ આપ્યા બાદ પાંચ દિવસમાં જ જમીન પારૂલબેન પટેલને વેચી દીધી હતી. આ અંગે અમૃતબેનના પાવર ઓફ એટર્ની ધરાવતા જમાઈ શૈલેષભાઈને થતા જ તેઓએ આ અંગે ચારેક મહિના પહેલા વિદ્યાનગર  પોલીસ મથકમાં અરજી આપતા સમાધાન ન થતા આખરે વિદ્યાનગર પોલીસ મથકે વિમલબેન જગદીશભાઈ પટેલ, જગદીશભાઈ રમેશભાઈ પટેલ, હિતેશભાઈ રમેશભાઈ પટેલ, જીવણ ઉર્ફે મફતભાઈ હમીરભાઈ ભરવાડ અને પારૂલબેન પુંજાભાઈ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:51 pm IST)