Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

102 દિવસથી ગાંધીનગર કોર્પોરેશન તંત્ર સામે જંગ છેડનાર સફાઇ કામદારોએ 15 હજાર માસિક પગાર મળવાની આશાએ હડતાલ સમેટી લીધી

વિધાનસભાની ચૂંટણી પહેલા આંદોલન સમેટવા આદેશો છૂટયા હતા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સળવળાટ શરૂ થઈ ચૂક્યો છે. એવામાં છેલ્લા 102 દિવસથી પડતર માંગણીઓને લઇને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સામે જંગ છેડી આંદોલન કરનાર સફાઈ કામદારોએ રૂ. 15 હજાર માસિક પગાર મળવાની આશાએ હડતાળ સમેટી લીધી છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે વિધાનસભાની ચૂંટણીને લઈને સફાઈ કામદારોની હડતાળ સમેટવા માટે ગાંધીનગર મેયર અને શહેર ભાજપ પ્રમુખને સરકારે ખાસ ટાસ્ક આપ્યો હતો. જેમાં તેઓ ખરા ઉતર્યા હતા.

 ગુજરાત સફાઇ કામદાર મંડળના આઉટસોર્સિંગ કામદારોની વિવિધ પ્રકારની માંગણીઓ સાથે છેલ્લા 102 દિવસથી ઉપવાસ આંદોલન પર કામદારો ઉતર્યા હતાં. તેમ છતાં કોર્પોરેશન દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં આવતી ન હતી. એટલે સુધી કે સફાઈ કામદારોએ પડતર માંગણીઓને લઇને અર્ધ નગ્ન થઈને આંદોલન કર્યા, લોહીથી લખેલું આવેદનપત્ર આપ્યું, ઉપરાંત આમરણાંત ઉપવાસ આંદોલન પણ છેડ્યું હતું.

 તેમ છતાં ઘણા દિવસથી તંત્રના પેટનું પાણી હલતું નહોતું. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થતાં જ સરકાર એક પછી એક આંદોલનકારીઓની પડતર માંગણીઓ મને કમને સ્વીકાર કરવા લાગી છે. ગઈકાલે ગુરૂવારે જ રખડતા ઢોર મુદ્દે ખરડો પસાર કરી દીધો હોવા છતાં સરકારને વિધાનસભાની ચૂંટણીમાં નુકશાન થવાની ભીતી લાગતાં આ કાળો કાયદો હાલ પુરતો સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.

 એ જ રીતે આદીવાસી આંદોલન શરૂ થતાં આદિવાસીઓની પણ માંગણીઓ પણ સ્વીકાર કરી લેવામાં આવી હતી. જો કે ગઈકાલે ડોક્ટરોને પણ રીઝવવા માટે તેમની પડતર માંગણીઓનો ઉકેલ લાવી દેવામાં આવ્યો હોવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ સરકાર સાથેની વાટાઘાટો બાદ શિક્ષિત અને શાણા ડોક્ટરોને સરકારની નીતિ ઉપર વિશ્વાસ ન હોવાથી ડોક્ટરોએ હડતાળ યથાવત રાખી છે.

ત્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના રોજમદાર સફાઈ કામદારોએ પોતાની વિવિધ પડતર માંગણીઓ સંદર્ભે 102 દિવસથી આંદોલન છેડ્યું હતું. આ આંદોલનને પણ પૂર્ણ કરાવવા માટે ઉચ્ચ કક્ષાએથી ટાસ્ક આપવામાં આવતા ગાંધીનગર મેયર હિતેશ મકવાણા અને શહેર ભાજપા પ્રમુખ રુચિર ભટ્ટે ગઈકાલે જ સફાઈ કામદારનાં આગેવાન સાથે વાટાઘાટો શરૂ કરી હતી. તેમજ સાંજ સુધીમાં મ્યુનિસિપલ કમિશ્નર સાથે ચર્ચા કરીને સફાઈ કામદારોની માંગણીઓનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપી હતી.

જેનાં પગલે સફાઈ કામદારોને માસિક રૂપિયા 15 હજારનું વેતન, સ્માર્ટ વોચના કારણે કામદારોને જે આર્થિક નુકશાન થયું તેની ભરપાઈ કરવાની પણ હૈયા ધારણા આપવામાં આવી હતી. આમ ગઈકાલે રાત્રે જ સફાઈ કામદારોને પારણાં કરાવીને હડતાળ સમેટી લેવડાવવામાં મેયર હિતેશ મકવાણા અને શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ ખરા ઉતર્યા હતા. તો હડતાળનું સુખદ સમાધાન થતાં આગામી દિવસોમાં સફાઈ કામદારોને ચોટીલાના પ્રવાસે પણ લઈ જવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

(5:42 pm IST)