Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

વડોદરાના ચકચારી મોડલ પ્રાચી મૌર્ય હત્‍યા કેસમાં કોર્ટ દ્વારા આરોપી વસીમ ઉર્ફે અરહાન મલેકને આજીવન કેદની સજા ફટકારાઇ

3 વર્ષ પહેલા મોડલની તેના પ્રેમીએ ગળુ દબાવીને હત્‍યા કરી હતી

વડોદરાઃ વડોદરા શહેરના ચકચારી મોડલ પ્રાચી મૌર્ય હત્યા કેસમાં કોર્ટે આરોપી વસીમ ઉર્ફે અરહાન મલેકને આજીવન કેદની સજા ફટકારી છે. મહત્વનું છે કે આશરે ત્રણચાર વર્ષ પહેલાં મોડલ પ્રાચી મૌર્યના પૂર્વ પ્રેમીએ તેની ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી.

કોર્ટ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ત્રણ વર્ષ પૂર્વે વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ રિલાયન્સ મોલની પાછળના મેદાનમાં એક યુવતીની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર જાગી હતી. પોલીસે સ્થળ પર આવી તપાસ કરતા મારનાર યુવતીનું નામ પ્રાચી મૌર્ય હોવાનું ખુલ્યું હતું. જયારે યુવતીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જે કેસ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી પૂર્વ પ્રેમી હત્યારાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તુરંત તપાસ શરુ કરી હતી પ્રાચી સાથે કામ કરતા સહકર્મીઓની પૂછપરછ કરતા પ્રાચીના પૂર્વ પ્રેમી સાથે કંકાસ ચાલું હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાચી સાથે ચાર વર્ષ પૂર્વે પ્રેમ સબંધ ધરાવતો વસીમ ઉર્ફે અરહાન મલેક તેને રાત્રે રિલાયન્સ મોલ પાછળના ગ્રાઉન્ડમાં મળવા બોલાવી હતી. પ્રાચીએ વસીમની સાથે સબંધો તોડી તેને મોબાઈલમાં બ્લેક લીસ્ટમાં મૂકી દીધો હતો. વસીમે પ્રાચીને અનેક વાર મનાવવાના પ્રયત્નો કર્યા હતા. પણ પ્રાચી વસીમ સાથે સબંધ રાખવા તૈયાર ન હતી. ત્યારે વસીમને શંકા થઇ કે પ્રાચીને અન્ય યુવક સાથે સબંધ છે. એવું માની લઇ મારી નહિ તો કોઈ ની નહિ તેમ માની લઈને ગળું દબાવી હત્યા કરી દીધી હતી. પોલીસે આરોપીને પકડવા માટે 16 જેટલી ટીમો બનાવી અને ગણતરીના કલાકમાં આરોપીને પકડી પાડ્યો હતો. જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે નામદાર કોર્ટે વસીમને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે

પ્રાચી મોર્ય કેસમાં ટ્રાયલ ચલાવવા માટે સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લીક પ્રોસીક્યુટર પી.એન. પરમારની નિમણુંક કરી હતી. સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ ગુનો પુરવાર કરવા માટે 33 સાહેદોને તપાસવામાં આવ્યા હતા, અને 100 જેટલા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષના વકીલોની દલીલ સાંભળીને એડીશનલ સેશન્સ જજ પી.એમ.ઉનડકટ સાહેબે આજરોજ આરોપીને આજીવન કેસની સજા સંભળાવી છે.

(5:25 pm IST)