Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

વડોદરા પાલિકાએ વહીવટી વોર્ડ ઓફિસના નામે ખાલી ખોખુ ઉભુ કરી દીધુઃ સત્તાધીશોમાં આયોજનનો અભાવ દેખાયોઃ ટૂંક સમયમાં સુવિધા ઉભી થઇ જવાની સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્‍દ્ર પટેલની ખાત્રી

વાસણા ગામમાં સરકારી આવાસ યોજનામાં દુકાનોમાં વોર્ડ નં.10ની ઓફિસ શરૂ કરી દીધી

વડોદરા: વડોદરામાં પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ ઉતાવળે નવી વોર્ડ ઓફિસો તો શરૂ કરી દીધી છે, પરંતુ નવી ઓફિસોમાં જોવા મળેલા દ્રશ્યોથી પાલિકાના સત્તાધીશોમાં આયોજનનો અભાવ જોવા મળ્યો છે. 1 એપ્રિલથી 19 ઇલેક્શન વોર્ડમાં 19 વહીવટી વોર્ડ ઓફિસો શરૂ કરી દીધી છે. પરંતુ નવી વોર્ડ ઑફિસમાં કોઈ જ સુવિધા કે વ્યવસ્થા નથી. નવીન કચેરીઓમાં હજી તો ન તો ટેબલ મૂકાયા છે, તો ન તો ખુરશી ગોઠવાઈ, તેમ છતાં શરૂ કરી દેવાઈ. પાલિકાના આ ઉતાવળભર્યા નિર્ણયથી સત્તાધીશો ફરીથી હાસ્યને પાત્ર બન્યા છે. એમ કહો કે, પાલિકાએ વહીવટી વોર્ડ ઓફિસના નામ ખાલી ખોખુ ઉભુ કરી દીધુ છે.

વડોદરા પાલિકાએ ઈલેક્શનની કામગીરી આરંભી દીધી છે. જેના ભાગરૂપે 1 એપ્રિલથી 19 ઇલેક્શન વોર્ડ દીઠ 19 વહીવટી વોર્ડ ઓફિસો શરૂ કરી છે. અગાઉ 19 ઇલેક્શન વોર્ડમાં 12 વહીવટી વોર્ડ ઑફિસ હતી. જેનાથી લોકોને મુશ્કેલી પડતી હતી. પરંતુ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ નવી 7 વોર્ડ ઓફિસ શરૂ કરી હવે 19 વોર્ડમાં 19 વહીવટી વોર્ડ ઑફિસ કાર્યરત કરી છે. જેનાથી લોકોને મુશ્કેલી ન પડે.

મહત્વની વાત છે કે વડોદરા પાલિકાએ ઉતાવળે વોર્ડ ઓફિસો તો શરૂ કરી દીધી, પણ તેમાં કોઈ સુવિધા જ ઊભી નથી કરવામાં આવી. વાસણા ગામમાં સરકારી આવાસ યોજનામાં દુકાનોમાં વોર્ડ નંબર 10ની ઑફિસ શરૂ કરી છે. જેમાં હજી તો ફર્નિચરનું કામ ચાલુ છે, ટેબલ ખુરશીઓ પણ નથી ગોઠવાઈ. કોમ્પ્યુટર અને કાગળના દસ્તાવેજો પણ પૂરતા નથી. તેમ છતાં વોર્ડ ઑફિસ લોકો માટે શરૂ કરી દેવાઈ છે.

ઓફિસમાં બેસતા અને કચેરીની મુલાકાત લેતા કર્મચારીઓ માટે શૌચાલયની પણ કોઈ સુવિધા નથી ઊભી કરાઈ. આવી જ રીતે અન્ય વોર્ડ ઓફિસો પણ હાલત આવી જ છે. ત્યારે ઉતાવળે વોર્ડ ઓફિસ શરૂ કરતાં ઑફિસમાં કામ કરતા કર્મચારીઓ અને કચેરીની મુલાકાત લેતા મુલાકાતીઓને મુશ્કેલી પડી રહી છે. આ વિશે પૂછતા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે કહ્યુ કે, ટુંક સમયમાં બધી જ સુવિધા ઊભી થઈ જશે. લોકોની સુખાકારી માટે આ નિર્ણય કર્યો છે.

(5:12 pm IST)