Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

રામરાજ્યના આદર્શો-મૂલ્યો વર્તમાન સમયના સુશાસનના પ્રેરણાસ્ત્રોત : શ્રી રામનું આદર્શ શાસન રામ રાજ્ય તરીકે વખણાય છે, તેને લક્ષ્યમાં રાખી ગુજરાતનો દરેક ક્ષેત્રે વિકાસ કરવો એ સરકારનો ધ્યેય : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં માણસા તાલુકાના વાગોસણા ગામે શ્રી રામજીમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ

રાજકોટ તા.૮ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, પ્રભુ શ્રી રામનું જીવન દરેક માટે પ્રેરણારૂપ છે.શ્રી રામનું આદર્શ શાસન રામ રાજ્ય તરીકે વખણાય છે, તેને લક્ષ્યમાં રાખી ગુજરાતનો દરેક ક્ષેત્રે વિકાસ કરવો એ સરકારનો ધ્યેય છે. 

માણસા તાલુકાના વાગોસણા ગામે શ્રી નૂતન રામજીમંદિર તથા શ્રી રામચંદ્ર ભગવાનની મુર્તિ પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ઉદ્બોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ રામરાજ્યના આદર્શો-મૂલ્યોને વર્તમાન સમયના સુશાસનના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતાં.   

આ સંદર્ભે તેમણે કહ્યું કે, રાજ્યના છેવાડના માનવીનો વિકાસ થાય તે માટે સરકારે હમેશાં કટિબધ્ધતા બતાવી છે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા સ્વરાજ્યથી સુરાજ્યનો જે યજ્ઞ આરંભાયો છે તેમા સૌએ સહભાગી થવુ જોઇએ. કોવિડ જેવી મહામારી દરમિયાન પણ વિકાસના અનેક કામો થયા છે જે સરકારની નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.  

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા સૌના સૌથ,સૌનો વિકાસ,સૌનો વિશ્વાસથી સૌનો પ્રયાસ જરૂરી છે.

શ્રી રામજીમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રીનું ગ્રામજનો દ્વારા ફુલહાર, મોમેન્ટો, ખેસ તેમજ રામમંદિરની પ્રતિકૃતિથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

     મુખ્યમંત્રીશ્રીએ વાગોસણ ગામે શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુંભવી હતી, આ ઉપરાંત આગામી રામનવમીના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થનાર શ્રી રામજીમંદિરનું નિરીક્ષણ કર્યું હતું.

વાગોસણ ગામે યોજાયેલ કાર્યક્રમમાં જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસ મહારાજ, જિલ્લા ભાજપ પ્રમુખ અનીલભાઇ પટેલ, ધારાસભ્ય સુરેશભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી, સમાજના અગ્રણી સાંકળચંદભાઇ પટેલ, ગોવિંદભાઇ સહિત અગ્રણીઓ,ગ્રામજનો તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

(4:21 pm IST)