Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

મોંઘવારીના મુદ્દે કોંગ્રેસે ધરણા- સુત્રોચ્‍ચારની મંજૂરી માંગી તો તંત્રએ ના પાડી દીધીઃ અરજીના મંજૂર

ભાજપની રેલીઓ, મેળાવડાઓ યોજાય ત્‍યારે કોવિડ ગાઈડલાઈન્‍સ લાગુ પડતી નથી?: મહેશ રાજપુત

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુતે યાદીમાં જણાવ્‍યું છે કે અમારા દ્વારા તા.૩૦/૦૩/૨૦૨૨ ના રોજ સમગ્ર દેશમાં બેરોજગારી અને અસહ્ય વધતી જતી મોંઘવારીના મુદ્દે ધરણા પર બેસવાની મંજુરી માંગવામાં આવેલ હતી. આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં તા.૦૮ એપ્રિલના રોજ બહુમાળીભવન ચોક  ખાતે યોજાનાર હતો જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સહિતના પ્રદેશ કોંગ્રેસ આગેવાનો રાજકોટ ખાતે બેરોજગારી અને મોંઘવારીના મુદ્દે ધરણા કરવા બેસવાના હતા.

  આ મંજુરી તા.૩૦/૦૩/૨૦૨૨ના રોજ નિયત ફોર્મમાં માંગવામાં આવેલ હતી જેનો  પ્રત્‍યુતર છેક તા.૦૭/૦૪/૨૦૨૨ રાત્રીના  રોજ નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણ કુમાર દ્વારા એવો પ્રત્‍યુતર આપવામાં આવેલ છે કે મોટી સંખ્‍યામાં માણસો ભેગા થાય જેના કારણે સોશ્‍યલ ડીસટન્‍સભંગ થવાથી કોરોનાનું સંક્રમણ વધવાની શકયતા રહેલ હોય અને ધરણા કાર્યક્રમ દરમ્‍યાન બેસવાની મંજુરી આપવામાં આવે તો અન્‍ય માણસો પણ ભેગા થવાની શકયતા રહેલ હોય જેથી કોવીડ-૧૯નું સંક્રમણ વધવાની શકયતા રહેલ હોય તેમજ ધરણા કાર્યક્રમ દરમ્‍યાન સરકાર વિરોધી સૂત્રોચ્‍ચાર કરવાના હોય તેવી હકીકત હોય જેથી આ બાબતે તમારી અરજી ગ્રાહ્ય રાખવામાં આવતી નથી.

રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્‍ટ્રભરના ધરણા હોય જેની ગત રાત્રીએ અરજી નામંજુર કરવામાં આવેલ છે ત્‍યારે મહેશભાઈ રાજપુતે જણાવ્‍યું છે કે આ કયાનો લો એન્‍ડ ઓર્ડર છે? ગુજરાતમાં ભાજપની રેલીઓ થાય, કાર્ડ વિતરણ કાર્યક્રમો થાય, મેળાઓ યોજાય અને ખુદ રાષ્‍ટ્રપતિશ્રી  માધવપુર મેળામાં આવતા હોય ત્‍યારે કોવીડ ગાઈડલાઈન્‍સ લાગુ ન પડે.?!!! આજની તારીખે કોવીડ ગાઈડલાઈન્‍સનું બહાનું કોંગ્રેસને દેવામાં આવે તે કયાનો ન્‍યાય.

સરકારના મળતિયા અધિકારીઓ ભાજપના ચેલા બની માત્ર ને માત્ર ભાજપ સરકારના કાર્યકર બનીને ફરે છે અમારો જનતાને સંદેશ છે કે પ્રજા જાગે અને કોંગ્રેસે અંગ્રેજો સામે લડત આપી ભારત દેશમાંથી ભગાડ્‍યા હતા અને લડત આપી હતી તેવી જ રીતે આ ભાજપ સામે અમો આખી જિંદગી લડીશું અને ભાજપનો નાશ અને નેસ્‍તનાબૂદ કરી દેશું તેમજ હવે ભાજપ સરકાર પ્રજાના રોષથી ડરી ગઈ છે, ત્‍યારે ભાજપ પ્રજાનો અવાજ દબાવવા પ્રયાસ કરી રહી છે અને કોઈપણ ધરણા હોય એ હંમેશા વિરોધપક્ષ જ કરે.  અને  પ્રજાનો અવાજ ઉઠાવવા વિપક્ષ કાર્ય કરતો હોય અને આ ભાજપ સરકારની આંખો ખોલવા કાર્યક્રમો અને ધરણા કરતા હોય ત્‍યારે શા માટે સરકાર વિરોધી સૂત્રોચ્‍ચાર કરવાની ના પાડે?

(4:16 pm IST)